NCRB ના નવા આંકડા મુજબ લગ્ન સંબંધિત વિવાદો અને લગ્નેતર સંબંધોને કારણે પરિણીત પુરુષોની આત્મહત્યામાં 82 ટકાનો વધારો થયો છે. જાણો આ રિપોર્ટની પૂરી હકીકત.

નવી દિલ્હી, શનિવાર
આપણી સામાજિક વ્યવસ્થા અને કૌટુંબિક માળખામાં છેલ્લા કેટલાક સમયથી મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. પારિવારિક તણાવ હવે એટલી હદે વધી ગયો છે કે પરિણામ સ્વરૂપે ઘણા લોકો પોતાનો જીવ ટૂંકાવી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના તાજેતરના આંકડાઓ એક અત્યંત ચોંકાવનારી વાસ્તવિકતા છતી કરે છે. દેશમાં પત્ની સાથેના અણબનાવ અને લગ્ન સંબંધિત વિવાદોના કારણે આત્મહત્યા કરનારા પરિણીત પુરુષોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. આ ડેટા સીધો જ વર્તમાન લગ્ન વ્યવસ્થા અને પુરુષોના માનસિક સ્વાસ્થ્ય પર મોટા સવાલો ઉભા કરી રહ્યો છે.
આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 10 વર્ષમાં આ સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. વર્ષ 2015 માં લગ્નજીવનના કલેશને કારણે 2497 જેટલા પુરુષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2024-25 આવતા સુધીમાં આ આંકડો સીધો 4536 પર પહોંચી ગયો છે. પરિણીત પુરુષોના આત્મહત્યાના દરમાં થયેલો આ 82% નો ઉછાળો સ્પષ્ટ કરે છે કે ઘરેલું અને માનસિક સમસ્યાઓ પુરુષોને અંદરથી તોડી રહી છે.
એક સમયે એવું માનવામાં આવતું હતું કે લગ્ન સંબંધિત બાબતોમાં મહિલાઓ વધુ ભોગ બને છે અને અગાઉના રેકોર્ડ્સ પણ એવું જ કહેતા હતા. વર્ષ 2015 ની વાત કરીએ તો તે સમયે આત્મહત્યા કરનારી મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ 61% જેટલી વધારે હતી. જોકે વર્ષ 2022 માં આ ટ્રેન્ડ અચાનક પલટાયો અને પુરુષો વધુ ભોગ બનવા લાગ્યા. વર્ષ 2024 માં પણ આ જ સિલસિલો ચાલુ રહ્યો છે. આ વર્ષે લગ્ન સંબંધિત વિવાદોના કારણે કુલ 8524 લોકોએ આત્મહત્યા કરી હતી. આ કુલ આંકડામાંથી 4536 એટલે કે 53% પુરુષો હતા જ્યારે 3986 એટલે કે 46% મહિલાઓ હતી.
આ રિપોર્ટમાં ઉંમરને લગતી વિગતો પણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. આત્મહત્યાના કિસ્સાઓમાં મહિલાઓ અને પુરુષોની ઉંમરમાં મોટો તફાવત જોવા મળે છે. વર્ષ 2024 માં આત્મહત્યા કરનારી મહિલાઓમાંથી બે તૃતીયાંશ મહિલાઓ 30 વર્ષથી નાની ઉંમરની હતી. બીજી બાજુ પુરુષોમાં આ વલણ સાવ અલગ છે. પોતાનું જીવન ટૂંકાવનારા અડધાથી વધુ પુરુષો 30 વર્ષથી મોટી ઉંમરના હતા. જેમાં 40% પુરુષો તો 30 થી 45 વર્ષની વયજૂથમાં આવતા હતા.
દેશમાં દરરોજ સરેરાશ 23 થી 24 લોકો માત્ર પતિ પત્ની વચ્ચેના ઝઘડા કે લગ્નજીવનના વિવાદોના કારણે મોતને વહાલું કરે છે.
આ દૈનિક સરેરાશમાં 12 પુરુષો અને 11 મહિલાઓનો સમાવેશ થાય છે.
રોજના આંકડામાં 30 વર્ષથી ઓછી ઉંમરના 5 પુરુષો અને 30 વર્ષથી વધુ ઉંમરના 6 પુરુષો કૌટુંબિક વિવાદોમાં જીવ ગુમાવે છે.
વર્ષ 2019 થી 2024 સુધીના માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં જ આ રીતે આત્મહત્યા કરનારા લોકોની કુલ સંખ્યા 24335 પર પહોંચી ગઈ છે.
લોકો શા માટે આવું ગંભીર પગલું ભરી રહ્યા છે તેના કારણો તપાસીએ તો દહેજ પ્રથા, છૂટાછેડા અને લગ્નેતર સંબંધો મુખ્ય છે. વર્ષ 2024 માં નોંધાયેલા આત્મહત્યાના 8534 કેસમાંથી 3052 કેસ તો માત્ર એવા હતા જેમાં પતિ પત્ની વચ્ચે પરસ્પર મેળ નહોતો ખાતો. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં લગ્નેતર સંબંધોના કારણે થતી આત્મહત્યાનું પ્રમાણ પણ ખૂબ જ ઝડપથી વધ્યું છે.
જો રાજ્યોની વાત કરીએ તો લગ્નજીવનના વિવાદોમાં આત્મહત્યા મામલે ઉત્તર પ્રદેશ આખા દેશમાં સૌથી મોખરે છે. વર્ષ 2024 માં ઉત્તર પ્રદેશમાં લગ્ન પછી તાલમેલ ન જળવાવાને કારણે કુલ 764 લોકોએ આત્મહત્યા કરી હતી જેમાં 394 પુરુષો અને 370 મહિલાઓ હતી. આ ગંભીર યાદીમાં 421 લોકોના મોત સાથે મહારાષ્ટ્ર બીજા નંબર પર આવે છે. વધતા જતા આ કિસ્સાઓ સમાજ માટે એક ચેતવણી સમાન છે અને હવે પુરુષોના પક્ષને સાંભળવો તેમજ તેમના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અત્યંત જરૂરી બની ગયું છે.











