અયોધ્યાના પૂરાકલંદર પોલીસ સ્ટેશન વિસ્તારના પગલાભારી ગામમાં ગુરુવારે સાંજે એક ભીષણ વિસ્ફોટ થયો હતો, જેના કારણે એક બે માળનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું

અયોધ્યાના પૂરાકલંદર પોલીસ સ્ટેશન વિસ્તારના પગલાભારી ગામમાં ગુરુવારે સાંજે એક ભીષણ વિસ્ફોટ થયો હતો, જેના કારણે એક બે માળનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પિતા અને તેમના ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક રામકુમાર કસૌધન ઉર્ફે પારસનાથ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે ફટાકડા તૈયાર કરતો હતો. ગુરુવારે સાંજે લગભગ સાત વાગ્યે ઘરમાં જોરદાર ધમાકો થયો, જેનાથી આખી ઇમારત ધ્વસ્ત થઈ ગઈ. વિસ્ફોટની ઘટનાસ્થળેથી ફાટેલા LPG સિલિન્ડરનો કાટમાળ પણ મળી આવ્યો છે, જોકે પ્રાથમિક આશંકા ફટાકડાના વિસ્ફોટની છે.
વિસ્ફોટનો અવાજ સમગ્ર વિસ્તારમાં ગુંજતા આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ SSP ડૉ. ગૌરવ ગ્રોવર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. JCBની મદદથી કાટમાળ હટાવીને અત્યાર સુધીમાં પાંચ લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહો પર બર્ન ઈજાના ગંભીર નિશાન હતા. નોંધનીય છે કે રામકુમાર કસૌધનના ઘરે ગયા વર્ષે પણ આવા જ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા.











