દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલા રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ઝૂંપડાઓના એક સમૂહમાં શુક્રવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.

દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલા રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ઝૂંપડાઓના એક સમૂહમાં શુક્રવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગને રાત્રે લગભગ 10.56 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી, જેના પગલે તાત્કાલિક 15 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. પ્રારંભિક માહિતી અનુસાર, આ આગમાં અનેક ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે રહેવાસીઓમાં મોટી દહેશત ફેલાઈ ગઈ હતી અને પોતાનો સામાન બચાવવા માટે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આગ વધુ ભભૂકવાનું મુખ્ય કારણ ઘણા બધા LPG સિલિન્ડરોનું ફાટવું હતું, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને ભીડને દૂર રાખવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે, તેમની ટીમો આગ બુઝાવવા માટે સતત કામ કરી રહી છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે, કોઈ જાનહાનિના તાત્કાલિક અહેવાલો મળ્યા નથી.











