ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા નહીં, હવામાન વિભાગની આગાહી. છૂટાછવાયા ઝાપટા, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. વાંચો લેટેસ્ટ વેધર અપડેટ

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતમાં વરસાદી સિસ્ટમનું જોર ઘટતાં હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નકારી છે. રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની સંભાવના છે, જ્યારે કચ્છ પંથકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ નબળી પડતાં તાપમાનમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં 33.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 33.0 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું છે.
માછીમારો માટે એલર્ટ, પોર્ટ પર સિગ્નલ
હવામાન વિભાગે ગુજરાતના વિવિધ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે અને માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, દ્વારકા, જૂનાગઢ અને રાજકોટમાં હળવા ઝાપટા પડી શકે છે.
સિઝનનો 106 ટકા વરસાદ, ડેમમાં પાણીનો સંગ્રહ
ગુજરાતમાં આ સિઝનમાં 106 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાય તમામ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 117.03 ટકા, મધ્ય ગુજરાતમાં 110.07 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા, કચ્છમાં 116.12 ટકા અને સૌરાષ્ટ્રમાં 93 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોમાં 87.54 ટકા પાણીનો જથ્થો છે, જેમાં સરદાર સરોવર ડેમમાં 91.07 ટકા પાણીનો સંગ્રહ છે. 127 ડેમ હાઈ એલર્ટ પર, 24 ડેમ એલર્ટ પર અને 12 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.











