મોટર અકસ્માતના 64 કેસોમાં રૂ. 13.17 કરોડથી વધુનું વળતર મંજૂર : 21,608 પ્રિ-લીટીગેશન અને 3,747 ફોજદારી કેસોનો સમાધાનથી ઝડપી નિકાલ
ગાંધીનગર, શનિવાર : ગાંધીનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતે ન્યાય વ્યવસ્થાના ઇતિહાસમાં એક નવી સિદ્ધિ નોંધાવી છે. માત્ર એક જ દિવસમાં કુલ 26 હજાર 100 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે, જેના કારણે જિલ્લા અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ આયોજન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને પેટ્રોન ઇન ચીફ ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ એ.વાય. કોગજે તેમજ સભ્ય સચિવ એચ.એમ. પવારના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ યોજાયું હતું.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતનું આયોજન ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા અને તાલુકા અદાલતોમાં અલગ-અલગ બેન્ચ રચી સમાધાનલાયક કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો.
આ લોક અદાલતમાં સૌથી નોંધપાત્ર નિર્ણય મોટર અકસ્માત વળતર સંબંધિત કેસોમાં આવ્યો. કુલ 64 કેસોમાં પીડિતોને રૂ. 13 કરોડ 17 લાખ 32 હજાર 500નું વળતર મંજૂર કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત ચેક રિટર્નના 16 કેસો, 665 દીવાની કેસો, 3 હજાર 747 ફોજદારી કેસો તેમજ 21 હજાર 608 પ્રિ-લીટીગેશન કેસો પરસ્પર સમાધાનથી પૂર્ણ કરવામાં આવ્યા હતા.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે જણાવ્યું હતું કે, મધ્યસ્થતા અને સમાધાનના માધ્યમથી લાંબા સમયથી ચાલતા વિવાદોનો કાયમી અંત લાવવાનો આ પ્રયાસ ખૂબ જ સફળ રહ્યો છે. આ લોક અદાલતના પરિણામે હજારો લોકોને ઝડપી, સરળ અને ખર્ચમુક્ત ન્યાય મળ્યો છે.











