અમદાવાદની સોલા સિવિલમાં બેદરકારીનો આક્ષેપ : ઇમરજન્સીમાં પહોંચેલી મહિલાને સમયસર સારવાર નહીં મળ્યાનો પરિવારનો દાવો

સ્ટ્રેચર પણ પરિવારજનોએ જાતે શોધવું પડ્યું, નર્સના વર્તન સામે ગંભીર આક્ષેપ : પરિવારના હંગામા બાદ સારવાર શરૂ થઈ હોવાનો દાવો, હોસ્પિટલની કામગીરી સામે ઉઠ્યા સવાલો

અમદાવાદ, રવિવાર : રાજ્યની અગ્રણી સરકારી હોસ્પિટલોમાં ગણાતી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. ઇમરજન્સીની સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચેલી એક મહિલાને સમયસર સારવાર ન મળ્યાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતાં હોસ્પિટલની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઊભા થયા છે.

પરિવારજનોએ જણાવ્યું કે મહિલાની તબિયત અત્યંત નાજુક હોવા છતાં હોસ્પિટલના સ્ટાફ તરફથી જરૂરી તાત્કાલિક સારવાર આપવામાં આવી નહોતી. દર્દીને વોર્ડ સુધી પહોંચાડવા માટે હોસ્પિટલ તરફથી સ્ટ્રેચરની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે પરિવારજનોને જ દોડધામ કરીને સ્ટ્રેચર શોધવું પડ્યું હતું.

પરિવારનો વધુમાં આક્ષેપ છે કે ફરજ પર હાજર એક નર્સે મદદ કરવાના બદલે કથિત રીતે “બધું તમારે જાતે જ કરવું પડશે” કહીને જવાબદારીમાંથી હાથ અધ્ધર દીધા હતા. આ વર્તનથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને હોસ્પિટલના સ્ટાફ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

પરિવારના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા બાદ જ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું અને મહિલાની સારવાર શરૂ કરવામાં આવી હતી. સાથે જ ડૉક્ટરોએ પણ જવાબદારી લેવાનું ટાળ્યું હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે.

આ સમગ્ર ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવારની વ્યવસ્થા, દર્દીઓ પ્રત્યેનો અભિગમ અને હોસ્પિટલ સ્ટાફની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જો પરિવારજનોના આક્ષેપો સાચા માનીએ તો આ દર્દીઓની સુરક્ષા અને સારવારમાં ગંભીર બેદરકારી કહેવાય… ને આ મામલે તપાસ કરી દાખલ રૂપ સજા કરાવી જોઈએ….

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!