NEET પેપરલીક આંદોલનના પગલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, જે રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું છે. પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો છે.

NEET પેપરલીક મુદ્દે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના નેજા હેઠળ દિલ્હીના જંતર મંતર પર થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહના આધારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું છે. હવે કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા નોટિફિકેશન
આ અંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતીય બંધારણના આર્ટિકલ 75ના ક્લોઝ (2) અંતર્ગત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. વડાપ્રધાનની સલાહ પર, રાષ્ટ્રપતિએ કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવાનો આદેશ આપ્યો છે.
વિરોધ પ્રદર્શન અને સરકારનો નિર્ણય
NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપરલીક મામલે છેલ્લા 36 દિવસથી જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ આંદોલનના દબાણ બાદ સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓના હિતમાં અને વિરોધનો દુરુપયોગ ‘રાષ્ટ્રવિરોધી તત્વો’ ન કરે તે માટે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ સરકારે આંદોલનકારીઓની અન્ય મુખ્ય માંગણીઓ પણ સ્વીકારી લીધી છે, જેમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સામેની FIR પાછી ખેંચવી અને અસરગ્રસ્ત પરિવારોને વળતર આપવાનો સમાવેશ થાય છે. આ આશ્વાસન બાદ CJP એ પોતાનું આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચી લીધું છે










