વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 જાન્યુઆરી, 2026થી નવા PMO સેવા તીર્થમાં શિફ્ટ થશે. આઝાદી પછી પહેલીવાર PMO સાઉથ બ્લોક છોડશે. જાણો આ આધુનિક ઓફિસની ખાસિયતો અને શું છે સરકારનો પ્લાન.

નવી દિલ્હી, મંગળવાર
ભારતની રાજનીતિના ઈતિહાસમાં બુધવાર, 14 જાન્યુઆરી, 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે તેમના જૂના અને ઐતિહાસિક સરનામા સાઉથ બ્લોકને અલવિદા કહીને નવા અત્યાધુનિક કાર્યાલય સેવા તીર્થ માં શિફ્ટ થવા જઈ રહ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલું આ નવું PMO માત્ર એક ઇમારત નથી, પણ આધુનિક ભારતની કાર્યપણાલીનું પ્રતિક છે.
ત્રણ ભવનોનું સંકુલ: ક્યાં શું હશે?
નવી વ્યવસ્થા મુજબ, વડાપ્રધાન કાર્યાલય હવે સેવા તીર્થ-1 ભવનમાંથી કાર્યરત થશે. આ બિલ્ડિંગ વાયુ ભવન પાસે આવેલા એક્ઝિક્યુટિવ એન્ક્લેવ-1 માં સ્થિત છે. આ આખા પરિસરમાં કુલ ત્રણ મુખ્ય ભવનો બનાવવામાં આવ્યા છે:
સેવા તીર્થ-1: વડાપ્રધાનનું મુખ્ય કાર્યાલય (PMO).
સેવા તીર્થ-2: અહીં કેબિનેટ સચિવાલય કાર્યરત છે (જે સપ્ટેમ્બર 2025માં જ શિફ્ટ થઈ ગયું હતું).
સેવા તીર્થ-3: આ ભવનમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) નું કાર્યાલય હશે.
સાઉથ બ્લોકનો ઐતિહાસિક યુગ પૂરો, હવે બનશે મ્યુઝિયમ
ભારતની આઝાદી પછી અત્યાર સુધી વડાપ્રધાન કાર્યાલય સાઉથ બ્લોકમાં કાર્યરત હતું. આ સ્થળાંતર સાથે જ એક ઐતિહાસિક પરંપરાનો અંત આવશે. ખાલી કરાયેલા નોર્થ અને સાઉથ બ્લોકને હવે “યુગે યુગીન ભારત સંગ્રહાલય” માં ફેરવી દેવામાં આવશે. આ મ્યુઝિયમ દ્વારા સામાન્ય જનતા ભારતની વહીવટી સફર અને ભવ્ય ઇતિહાસને નજીકથી જોઈ અને સમજી શકશે.
કેવું છે સેવા તીર્થ પરિસર? (ખાસિયતો અને ખર્ચ)
આ પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીના વહીવટી સુધારાનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેની કેટલીક મહત્વની વિગતો નીચે મુજબ છે:
નિર્માણ ખર્ચ: આશરે 1,189 કરોડ રૂપિયા.
કુલ વિસ્તાર: 2,26,203 ચોરસ ફૂટમાં ફેલાયેલું ભવ્ય પરિસર.
કોણે બનાવ્યું?: આ આધુનિક ભવનનું નિર્માણ લાર્સન એન્ડ ટૂબ્રો કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ આખા બિલ્ડિંગની ડિઝાઇન સેવા થીમ પર આધારિત છે, જે ભારતીય મૂલ્યોને દર્શાવે છે. અહીં હાઈ-ટેક ઓફિસોની સાથે સાથે ભવ્ય મીટિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.
વસાહતી માનસિકતામાંથી મુક્તિનો પ્રયાસ
કેન્દ્ર સરકારનું માનવું છે કે આ ફેરફાર માત્ર સ્થળ બદલવા પૂરતો મર્યાદિત નથી. અંગ્રેજોના સમયના વસાહતી વારસા ને પાછળ છોડીને ભારતીય મૂલ્યો સાથે શાસન વ્યવસ્થાને આગળ ધપાવવાનો આ એક મોટો પ્રયાસ છે. અગાઉ રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવું પણ આ વિચારધારાનો જ એક ભાગ હતો. ઉલ્લેખનીય છે કે, સેવા તીર્થની નજીક જ વડાપ્રધાનના નવા સત્તાવાર નિવાસસ્થાનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બદલાવ ભારતની આધુનિક કાર્યપ્રણાલી અને સુશાસન માટે એક નવા યુગની શરૂઆત માનવામાં આવે છે.











