હિંમત હોય તો મારા પગ કાપી બતાવો, રાજ ઠાકરેની ધમકી બાદ અન્નામલાઈનો મુંબઈ આવવાનો ખુલ્લો પડકાર

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે અને કે. અન્નામલાઈ વચ્ચે રસમલાઈ વિવાદ વકર્યો છે. અન્નામલાઈએ મુંબઈ આવવાનો અને પગ કાપવાની ધમકી આપનારાઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે. વાંચો સંપૂર્ણ વિગત.

મહારાષ્ટ્ર, મંગળવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે અને તમિલનાડુ ભાજપના પ્રમુખ કે. અન્નામલાઈ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રસમલાઈ કટાક્ષ અને પગ કાપી નાખવા જેવી ટિપ્પણીઓએ બંને પક્ષો વચ્ચે તણાવ વધારી દીધો છે.

હું મુંબઈ જરૂર આવીશ: અન્નામલાઈનો વળતો પ્રહાર
તાજેતરમાં ચેન્નાઈમાં મીડિયા સાથે વાતચીત કરતા કે. અન્નામલાઈએ રાજ ઠાકરે અને તેમના કાર્યકર્તાઓને સીધો પડકાર ફેંક્યો છે. તેમણે મક્કમતાથી કહ્યું કે, “હું મુંબઈ જરૂર આવીશ. જો તમારામાં હિંમત હોય તો મારા પગ કાપીને બતાવો. હું એક સામાન્ય ખેડૂતનો દીકરો છું અને આવી પોકળ ધમકીઓથી હું ડરવાનો નથી.”

અન્નામલાઈએ વધુમાં આક્રમક સુરતમાં સવાલ કર્યો હતો કે, “મને ધમકાવનારા આદિત્ય ઠાકરે કે રાજ ઠાકરે આખરે છે કોણ?”

શું છે આ રસમલાઈ વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાજ ઠાકરેએ એક જાહેર સભામાં કે. અન્નામલાઈ માટે રસમલાઈ શબ્દનો પ્રયોગ કરીને તેમની મજાક ઉડાવી હતી. રાજ ઠાકરેના આ નિવેદન બાદ મનસેના કાર્યકર્તાઓ પણ આક્રમક બન્યા હતા અને તેમણે ચીમકી આપી હતી કે જો અન્નામલાઈ મુંબઈ પગ મૂકશે તો તેમના પગ કાપી નાખવામાં આવશે.

આ ધમકીઓ પર પ્રતિક્રિયા આપતા અન્નામલાઈએ કહ્યું કે, “મનસે અત્યારે માત્ર મને ગાળો આપવા માટે સભાઓ ગજવી રહ્યું છે. આ બાબત જ સાબિત કરે છે કે મારું રાજકીય કદ અને મહત્ત્વ વધી રહ્યું છે. જો હું ડરપોક હોત તો મારા ગામમાં જ બેસી રહ્યો હોત.”

મુંબઈ કોઈની જાગીર નથી: અન્નામલાઈ
અન્નામલાઈએ મુંબઈના વૈશ્વિક દરજ્જા વિશે વાત કરતા જણાવ્યું કે મુંબઈ એક ગ્લોબલ સિટી છે. તેમણે તર્ક આપ્યો કે જો તેઓ કામરાજ જેવા મહાન નેતાઓના વખાણ કરે તો તેનાથી તેમની તમિલ ઓળખ ભૂંસાઈ જતી નથી, તેવી જ રીતે મુંબઈની પ્રશંસા કરવી એ કોઈ પણ સંસ્કૃતિની વિરુદ્ધ નથી. તેમણે રાજ ઠાકરે અને તેમના સમર્થકોની વાતોને અજ્ઞાનતા ગણાવી હતી.

BMC ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો
આગામી સમયમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તે પહેલા ભાજપ અને મનસે વચ્ચેનો આ વિવાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક લાવી શકે છે. રાજ ઠાકરે હંમેશા મરાઠી અસ્મિતાના મુદ્દે આક્રમક રહ્યા છે, જ્યારે અન્નામલાઈ જેવા નેતાઓ હવે તેમને તેમના જ ગઢમાં પડકારી રહ્યા છે.

રાજ ઠાકરે અને અન્નામલાઈ વચ્ચેનું આ યુદ્ધ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ તે બે અલગ અલગ રાજકીય વિચારધારાઓનો ટકરાવ પણ દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે અન્નામલાઈ મુંબઈની મુલાકાત લેશે ત્યારે મહારાષ્ટ્રનું રાજકારણ કઈ દિશામાં ફંટાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!