પતંજલિ ઘી પર 1.40 લાખનો દંડ: હલકી ગુણવત્તાનો આરોપ, કંપનીનો કોર્ટ આદેશ સામે જોરદાર બચાવ

બાબા રામદેવની પતંજલિ આયુર્વેદને હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવા બદલ 1.40 લાખનો દંડ થયો છે. પિથોરાગઢ કોર્ટના ચુકાદા સામે કંપનીએ કાયદાકીય વાંધા ઉઠાવીને અપીલ કરી છે. સંપૂર્ણ વિગત જાણો.

અમદાવાદ, રવિવાર
યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ ફરી એકવાર ચર્ચામાં છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં પતંજલિના ગાયના ઘીને હલકી ગુણવત્તાનું જાહેર કરવા બદલ કોર્ટે કંપની, તેના હોલસેલર અને રિટેલર પર કુલ 1.40 લાખનો જંગી દંડ ફટકાર્યો છે. જોકે, પતંજલિએ આ આદેશને કાયદાકીય રીતે “ખામીયુક્ત” ગણાવીને પોતાનો સખત બચાવ કર્યો છે.

સમગ્ર મામલો અને કોર્ટનો આદેશ
આ ઘટના ઉત્તરાખંડના પિથોરાગઢની છે. અહીં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ADM) કોર્ટે પતંજલિના ગાયના ઘીના નમૂના રાજ્ય અને કેન્દ્રીય પ્રયોગશાળાઓમાં નિષ્ફળ ગયા બાદ આ નિર્ણય આપ્યો છે. કોર્ટે ઘીના નિર્માતા (પતંજલિ) અને હોલસેલર પર 1.25 લાખ અને રિટેલર પર 15,000નો દંડ ફટકાર્યો છે. પિથોરાગઢના સહાયક ખાદ્ય સુરક્ષા કમિશનર આર.કે. શર્માના જણાવ્યા અનુસાર, ખાદ્ય સુરક્ષા અધિનિયમની કલમ 46/4 હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટે 19 નવેમ્બરે આ ચુકાદો જાહેર કર્યો.

પરીક્ષણોનો સમયગાળો અને કેસની નોંધણી
આ મામલાની શરૂઆત ઑક્ટોબર 2020માં થઈ હતી, જ્યારે ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓ રુદ્રપુરની રાજ્ય ખાદ્ય પ્રયોગશાળામાં નિષ્ફળ ગયા. વેપારીઓની વિનંતી પર, સપ્ટેમ્બર 2021માં કેન્દ્ર સરકારની પ્રયોગશાળામાં ફરીથી ટેસ્ટ કરાયો, જેમાં 2022માં પણ નમૂના નિષ્ફળ જાહેર થયા. આ પછી, 17 ફેબ્રુઆરી, 2022ના રોજ SDM કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને તેનો નિર્ણય 19 નવેમ્બરે આવ્યો.

પતંજલિના મજબૂત વાંધા અને અપીલ
કોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા, પતંજલિ આયુર્વેદ લિમિટેડે જણાવ્યું કે આ આદેશ ઘણા કાયદાકીય કારણોસર અમાન્ય છે. કંપનીએ ત્રણ મુખ્ય દલીલો રજૂ કરી છે:

NABL માન્યતાનો અભાવ: ઘીના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલી રેફરલ લેબોરેટરી પાસે NABL (નેશનલ એક્રેડિટેશન બોર્ડ)ની માન્યતા નહોતી, તેથી તેના દ્વારા કરાયેલું પરીક્ષણ કાયદેસર ગણી શકાય નહીં.

અયોગ્ય માપદંડ: નમૂનાને અસફળ જાહેર કરવા માટે જે માપદંડોનો ઉપયોગ થયો, તે સમયે તે લાગુ જ નહોતા, જે કાયદાકીય રીતે ખોટું છે.

એક્સપાયરી પછી ટેસ્ટિંગ: સૌથી અગત્યનું, બીજી વખતનું ટેસ્ટિંગ ઘીના નમૂનાઓની એક્સપાયરી ડેટ વીતી ગયા પછી કરવામાં આવ્યું હતું, જે નિયમો મુજબ અમાન્ય છે.

પતંજલિએ દાવો કર્યો કે કોર્ટે આ મહત્વપૂર્ણ તર્કોને ધ્યાનમાં લીધા વિના આદેશ આપ્યો છે. કંપનીએ આ આદેશ વિરુદ્ધ ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરવાની જાહેરાત કરી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ત્યાં તેમને ન્યાય મળશે.

હાનિકારક નથી, માત્ર નજીવો તફાવત: પતંજલિની સ્પષ્ટતા
કંપનીએ વધુમાં સ્પષ્ટતા કરી કે કોર્ટના આ નિર્ણયમાં ક્યાંય પણ ઘીને ઉપયોગ માટે હાનિકારક જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ, માત્ર RM Valueના માપદંડમાં નામ-માત્રનું અંતર જોવા મળ્યું છે. RM Value ઘીમાં રહેલા volatile fatty acidનું સ્તર દર્શાવે છે, જે ઘીને ગરમ કરવાથી કુદરતી રીતે ઉડી જાય છે. આ પ્રક્રિયા ઘીની ગુણવત્તા પર અસર કરતી નથી.

પતંજલિએ દલીલ કરી કે RM Value પશુઓના આહાર અને સ્થાનિક આબોહવા પર આધાર રાખીને પ્રદેશ પ્રમાણે બદલાય છે. સરકારી નિયમનકારી સંસ્થા FSSAI પણ આ માપદંડને સમયાંતરે બદલતી રહે છે. પતંજલિ ભારપૂર્વક જણાવે છે કે તેઓ સમગ્ર દેશમાંથી કડક માપદંડો હેઠળ દૂધ અને ગાયનું ઘી એકત્ર કરીને વેચાણ કરે છે. આ મામલો હવે ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલમાં આગળ વધશે, જ્યાં પતંજલિને આશા છે કે તેમના વાંધા ધ્યાનમાં લેવાશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!