તાજેતરમાં સરકારે ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, શિક્ષક મંડળોના ઉગ્ર વિરોધ બાદ સરકારે નિવૃત્ત વિદ્યાસહાયકોની ભરતીનો આ નિર્ણય રદ કર્યો હતો. આ ઘટના બાદ શિક્ષકોની ભરતીનો મામલો વધુ ગરમાયો છે.

અમદાવાદ, ગુરૂવાર
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે અછતને પગલે શાળા સંચાલક મંડળ હવે મેદાને ઉતર્યું છે. મંડળે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક ધોરણે શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ મહિના સુધીમાં સ્પેશ્યલ ભરતી રાઉન્ડ યોજવાની માંગ કરી છે.
શાળા સંચાલક મંડળના પ્રમુખ, ભાસ્કર પટેલ, ના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી આચાર્ય અને શિક્ષકોના પદો પર મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી છે, જેના કારણે શૈક્ષણિક કાર્ય પર વિપરીત અસર થઈ રહી છે.
શા માટે ખાલી છે આટલી જગ્યાઓ?
ભાસ્કર પટેલે જણાવ્યું કે 2011 પછી કેન્દ્રીય ભરતી સમિતિ દ્વારા ગુજરાતની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જોકે, છેલ્લા 14 વર્ષમાં ભરતી પ્રક્રિયામાં અનિયમિતતાને કારણે ઘણી કાયમી જગ્યાઓ ખાલી રહી ગઈ છે. તેમણે ઉદાહરણ આપ્યું કે પ્રિન્સિપાલ, માધ્યમિક શિક્ષક અને ઉચ્ચતર શિક્ષક જેવા પદો માટે 1281 ઉમેદવારોએ સરકાર અને ગ્રાન્ટેડ એમ બંનેમાં અરજી કરી હતી, જેના કારણે સરકારી જગ્યાઓ ખાલી રહી ગઈ.
આંકડા શું કહે છે?
રાજ્યમાં શિક્ષકો અને આચાર્યોની અછત ચિંતાજનક સ્તરે પહોંચી છે, ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં માત્ર 450 જગ્યા પર આચાર્યની ભરતી થઈ છે, જ્યારે 850 જેટલી જગ્યાઓ હજુ ખાલી છે. રસપ્રદ વાત એ છે કે, સિનિયર શિક્ષકો કરતા આચાર્યોને ઓછો પગાર મળતો હોવાથી કોઈ પ્રિન્સિપાલ બનવા તૈયાર નથી. ઉચ્ચતર શિક્ષકમાં લગભગ 1500 જેટલા ઉચ્ચતર શિક્ષકોની જગ્યા ખાલી છે. તો 2021 જેટલા માધ્યમિક શિક્ષકોની જગ્યા ખાલી પડી છે.
આ તમામ ખાલી જગ્યાઓ પર બીજો સ્પેશ્યલ રાઉન્ડ કરીને ઓગસ્ટ મહિના સુધીમાં ભરતી કરવાની મંડળે માંગ કરી છે.
સરકારને રજૂઆત અને અગાઉના વિવાદો
શાળા સંચાલક મંડળે આ મુદ્દે શિક્ષણ મંત્રીને પત્ર લખીને કાયમી શિક્ષક સહાયકોની ભરતી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ પદો પર ભરતી ન થવાને કારણે હાલના શિક્ષકો પર કામનો બોજ વધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સરકારે ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, શિક્ષક મંડળોના ઉગ્ર વિરોધ બાદ સરકારે નિવૃત્ત વિદ્યાસહાયકોની ભરતીનો આ નિર્ણય રદ કર્યો હતો. આ ઘટના બાદ શિક્ષકોની ભરતીનો મામલો વધુ ગરમાયો છે.











