સુપ્રીમ કોર્ટે UAPA કાયદા પર મોટો ચુકાદો આપતા કહ્યું કે 90% થી વધુ આરોપીઓ નિર્દોષ છૂટે છે. UAPA જેવા કડક કાયદામાં પણ ‘જામીન નિયમ અને જેલ અપવાદ’ લાગુ પડે છે. જાણો સંપૂર્ણ અહેવાલ.

નવી દિલ્હી, મંગળવાર
દેશની સુપ્રીમ કોર્ટે UAPA (અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) કાયદા હેઠળ થતી ધરપકડો અને જામીનના નિયમો અંગે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આંખ ઉઘાડનારું અવલોકન કર્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કાયદો ગમે તેવો કડક હોય, પરંતુ ‘જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે’. આ સિદ્ધાંત UAPA ના કેસોમાં પણ સમાન રીતે લાગુ પડે છે.
ઉમર ખાલિદ કેસ: જૂના ચુકાદા સાથે સુપ્રીમની અસંમતિ
હાલની સુનાવણી દરમિયાન જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેંચે અગાઉની બેંચના એક નિર્ણયની આકરી ટીકા કરી હતી. નોંધનીય છે કે, દિલ્હી હિંસા કેસમાં છેલ્લા 5 વર્ષથી ટ્રાયલ વગર જેલમાં બંધ ઉમર ખાલિદને અગાઉ સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ હાલની બેંચે આ જૂના ચુકાદા સાથે અસંમતિ દર્શાવી છે. કોર્ટે એ બાબતની ગંભીર નોંધ લીધી કે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત 9 જેટલા આરોપીઓ કોઈપણ સુનાવણી વગર છેલ્લા 5 વર્ષથી જેલમાં છે.
કયા કેસમાં આવ્યો આ મોટો ચુકાદો?
સુપ્રીમ કોર્ટે આ મહત્વની ટિપ્પણી જમ્મુ-કાશ્મીરના કુપવાડા (હંદવારા) ના રહેવાસી સૈયદ ઇફ્તિકારની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કરી હતી. ઇફ્તિકાર પર NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા નાર્કો-ટેરરનો કેસ ચલાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સૈયદ ઇફ્તિકારના શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટે તેને પોતાનો પાસપોર્ટ જમા કરાવવા અને દર 15 દિવસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાનો આદેશ કર્યો છે.
અનિશ્ચિત સમય માટે જેલમાં ન રાખી શકાય
જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ભુયાનની બેંચે સ્પષ્ટ કર્યું કે UAPA ની કલમ 43D(5) નો અર્થ એવો બિલકુલ નથી થતો કે આરોપીને અનિશ્ચિત સમય સુધી જેલમાં ગોંધી રાખવો. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે દરેક નાગરિકના બંધારણીય અધિકારો એટલે કે આર્ટિકલ 21 અને 22નું રક્ષણ થવું જ જોઈએ.
NCRBના ચોંકાવનારા આંકડા: મોટાભાગના આરોપીઓ નિર્દોષ
આ લેટેસ્ટ ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) ના ડેટાનો ઉલ્લેખ કરીને તપાસ એજન્સીઓની કામગીરી પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું કે UAPA હેઠળ નોંધાયેલા 90 ટકા કરતા વધુ કેસોમાં આરોપીઓ આખરે નિર્દોષ સાબિત થાય છે.
કોર્ટે ટાંકેલા આંકડા મુજબ વર્ષ 2019 થી 2023 વચ્ચે UAPA હેઠળ દોષિત ઠેરવવાનો દર માત્ર 2 થી 6 ટકાની વચ્ચે જ રહ્યો છે. આનો સીધો અર્થ એ છે કે 94 થી 98 ટકા કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે. જો વાર્ષિક સરેરાશ જોઈએ તો માત્ર 1 ટકો આરોપીઓ જ દોષિત સાબિત થાય છે. એટલે કે ટ્રાયલ પૂરી થયા પછી 99 ટકા લોકો મુક્ત થઈ જાય છે.
આ ચોંકાવનારા આંકડાઓ જોઈને સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓને એક વેધક સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું કે, “જ્યારે આંકડા આપણી નજર સામે છે કે ટ્રાયલના અંતે મોટાભાગના લોકો છૂટી જાય છે, તો શું માત્ર આરોપો ગંભીર છે એ જ કારણસર જામીન માંગતા આરોપીઓની અટકાયત ચાલુ રાખવી વ્યાજબી છે?” સુપ્રીમ કોર્ટનો આ લેટેસ્ટ ચુકાદો ભવિષ્યમાં UAPA હેઠળ નોંધાયેલા કેસો અને આરોપીઓના જામીન માટે એક મોટી મિસાલ બની રહેશે.











