રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમૂમાં મસ્જિદ પાસેના પથ્થર હટાવવાની કામગીરી દરમિયાન હિંસા ફાટી નીકળી. પોલીસ પર પથ્થરમારો થતા લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરાયો. તણાવને જોતા 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ. જાણો સમગ્ર ઘટના.

રાજસ્થાન, શુક્રવાર
જયપુર જિલ્લામાં આવેલા ચોમૂ નગરમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક વાતાવરણ તંગ બની ગયું હતું. મસ્જિદ નજીક એક નાના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને જોતજોતામાં કોમી તણાવ ફાટી નીકળ્યો. કેટલાક અસામાજિક તત્વોએ પોલીસને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક પોલીસ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રશાસને તાત્કાલિક અસરથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મસ્જિદ પાસેના પથ્થરો અને ટ્રાફિક સમસ્યા
ઘટનાની શરૂઆત શુક્રવારે સાંજે થઈ હતી. મળતી વિગતો મુજબ, ચોમૂમાં એક મસ્જિદ નજીક રસ્તા પર જમા થયેલા પથ્થરોને કારણે લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ પથ્થરો રસ્તામાં અવરોધરૂપ બનતા હોવાથી તંત્ર દ્વારા તેને હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, સ્થાનિક લોકોએ આ સફાઈ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો અને થોડી જ વારમાં ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.
પોલીસ પર પથ્થરમારો અને લાઠીચાર્જ
વિરોધ પ્રદર્શન દરમિયાન મામલો ત્યારે બિચક્યો જ્યારે ભીડમાં રહેલા કેટલાક તોફાની તત્વોએ અચાનક પોલીસ ટુકડી પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ હિંસક હુમલામાં અનેક પોલીસકર્મીઓ લોહીલુહાણ થયા હતા. સ્થિતિ બેકાબૂ બનતી જોઈને પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા. ભારે જહેમત બાદ થોડા કલાકોમાં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં
ઘટનાની ગંભીરતાને પારખીને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ચોમૂ પહોંચી ગયા હતા. સ્પેશિયલ ઓપરેશન કમિશનર રાહુલ પ્રકાશ, અધિક પોલીસ કમિશનર ડો. રાજીવ પચાર અને મનીષ અગ્રવાલે ઘટનાસ્થળે પહોંચીને મોરચો સંભાળ્યો હતો અને લોકોને શાંત પાડ્યા હતા.
સુરક્ષા વ્યવસ્થા અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ
તકેદારીના ભાગરૂપે ચોમૂમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ચોમૂ બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે. પોલીસ દ્વારા ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અફવાઓ ફેલાતી અટકાવવા અને શાંતિ જાળવવા માટે પ્રશાસને ચોમૂમાં 26 ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી 24 કલાક સુધી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત રાખવાનો આદેશ આપ્યો છે.











