મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે પ્રતિબંધિત કફ સિરપ પીવાથી ૧૧ જેટલા બાળકોના મોત થયાની ગંભીર ઘટના બાદ કેન્દ્ર સરકારે કડક પગલું લીધું છે.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે પ્રતિબંધિત કફ સિરપ પીવાથી ૧૧ જેટલા બાળકોના મોત થયાની ગંભીર ઘટના બાદ કેન્દ્ર સરકારે કડક પગલું લીધું છે. સરકારે તાત્કાલિક એડવાઇઝરી જારી કરીને સ્પષ્ટ કહ્યું છે કે, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ અને શરદીની દવાઓ આપવી નહીં. સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ તેની ભલામણ કરવામાં આવતી નથી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીઝ (DCHS) દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, દવાના ઉપયોગમાં સાવચેતીપૂર્વક તબીબી મૂલ્યાંકન, કડક દેખરેખ અને યોગ્ય ડોઝનું પાલન કરવું ફરજિયાત છે. આ ઉપરાંત, ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલી દવાઓનું પાલન કરવા અંગે જનતાને પણ જાગૃત કરવા જણાવ્યું છે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં મૃત્યુઆંક વધીને ૯ થયો છે. જોકે, શરૂઆતમાં જે ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપને શંકાના દાયરામાં મૂકવામાં આવી હતી, તેના સેમ્પલમાં કિડનીને નુકસાન પહોંચાડતા ડાયથિલીન ગ્લાયકોલ (DEG) કે ઇથિલીન ગ્લાયકોલ (EG) જેવા ઝેરી તત્ત્વો મળ્યા નથી.
આ છતાં, તકેદારીના ભાગરૂપે કોલ્ડ્રિફ અને નેસ્ટો ડીએસ કફ સિરપના વેચાણ પર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોક લગાવી દેવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા હવે એક બહુ-વિષયક નિષ્ણાત ટીમ પાણી, કીટ વાહકો અને શ્વસન નમૂનાઓ સહિત મૃત્યુના અન્ય સંભવિત કારણોની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે











