શું તમે ઝીરો મેકિંગ ચાર્જની ઓફરથી આકર્ષાઈને જ્વેલરી ખરીદો છો? જાણો, નિષ્ણાતોના મતે આ લાલચ પાછળ કેવી રીતે 5 છુપા ખર્ચ ઉમેરાય છે, જેનાથી દાગીનાની અંતિમ કિંમત અચાનક વધી જાય છે. છેતરપિંડીથી બચવા માટે HUID કોડ કેવી રીતે ચેક કરવો, તે પણ સમજો.

અમદાવાદ, રવિવાર
તહેવારોની સીઝન હોય કે લગ્ન પ્રસંગ, ભારતમાં સોના-ચાંદીના દાગીનાની માંગ હંમેશા ઊંચી રહે છે. આ સ્પર્ધાત્મક બજારમાં ગ્રાહકોને આકર્ષવા માટે ઘણાં જ્વેલર્સ ‘ઝીરો મેકિંગ ચાર્જ’ (0% મેકિંગ ચાર્જ) જેવી આકર્ષક સ્કીમ્સ આપે છે. જોકે, જ્વેલરી ઉદ્યોગના નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે આ ઓફર ઘણીવાર ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાની એક યુક્તિ છે, અને આ પ્રલોભનની પાછળ 5 પ્રકારના છુપા ખર્ચાઓ ઉમેરાય છે, જેનાથી ગ્રાહકે આખરે વધુ કિંમત ચૂકવવી પડે છે.
સમજો, ક્યાં અને કેવી રીતે ગ્રાહકો વધારે પૈસા ચૂકવે છે:
જ્વેલર્સ ઝીરો મેકિંગ ચાર્જનું નુકસાન અન્ય પાંચ રીતે સરભર કરી લે છે:
1. સોનાના ભાવમાં છુપો વધારો
ઘણા જ્વેલર્સ બજારના વર્તમાન સોનાના ભાવ કરતા પ્રતિ ગ્રામ 200 કે તેથી વધુ રકમ વધારે વસૂલે છે. ઉદાહરણ તરીકે, જો તમે 50 ગ્રામનો દાગીનો ખરીદો, તો આ વધારાના ભાવના કારણે તમારે 10,000 વધુ ચૂકવવા પડે છે. આ વધારો એક પ્રકારનો છુપો ચાર્જ જ છે, જે બિલમાં અલગથી દેખાતો નથી.
2. રત્નોની કિંમત વાસ્તવિક મૂલ્ય કરતાં વધુ
જે દાગીના પર 0% મેકિંગ ચાર્જ ઓફર હોય છે, તેમાં ઘણીવાર હીરા, રત્નો કે અન્ય સજાવટી તત્વો ઉમેરવામાં આવે છે. જ્વેલર્સ આ વસ્તુઓની કિંમત તેના વાસ્તવિક મૂલ્ય કરતાં ઘણી વધારે નક્કી કરે છે. આ રીતે, મેકિંગ ચાર્જ ન લેવાથી થયેલું નુકસાન તેઓ રત્નોના ઊંચા ભાવ દ્વારા ભરપાઈ કરી લે છે.
3. બાયબેક ઓફરમાં છુપાયેલી શરતો
જ્વેલર્સ સામાન્ય રીતે જૂનું સોનું વેચતી વખતે તેના મૂલ્યના 90% રકમ આપવાનું વચન આપે છે. પરંતુ, જ્યારે ગ્રાહક ઝીરો મેકિંગ ચાર્જવાળા દાગીના ખરીદે છે, ત્યારે ભવિષ્યમાં તેની બાયબેક વેલ્યુ ઘટાડીને 70-80% કરી દેવાય છે. આ શરતોના કારણે ગ્રાહકને લાંબા ગાળે આર્થિક નુકસાન થાય છે.
4. વેસ્ટેજ ચાર્જની ગણતરીમાં ગેરરીતિ
દાગીના બનાવતી વખતે સોનાનો જે ભાગ નષ્ટ થાય છે, તેના પર વેસ્ટેજ ચાર્જ લાગુ પડે છે, જેનો સામાન્ય દર 2-3% હોય છે. પરંતુ જ્વેલર્સ ઘણીવાર જટિલ ડિઝાઈનનું બહાનું આપીને આ ચાર્જને 5% કે તેથી વધુ વસૂલે છે. ઉપરાંત, આ ચાર્જ દાગીના બનાવ્યા ત્યારના મૂળ ભાવ પર નહીં, પણ સોનાના વર્તમાન ભાવ પર ગણાય છે.
5. જથ્થાબંધ ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકને નહીં
જ્વેલર્સ મોટા જથ્થામાં સોનું ખરીદે છે, જેના કારણે તેમને જથ્થાબંધ ડિસ્કાઉન્ટ મળે છે. જોકે, આ ડિસ્કાઉન્ટનો સીધો લાભ ગ્રાહકોને મળતો નથી.
છેતરપિંડીથી બચવા શું કરવું?
નિષ્ણાતો સલાહ આપે છે કે, ગ્રાહકોએ આકર્ષક ઓફરોથી દૂર રહીને સોનાની શુદ્ધતા પર ધ્યાન આપવું જોઈએ. કોઈપણ દાગીના ખરીદતા પહેલાં, BIS (ભારતીય માનક બ્યુરો) ની કેર એપ્લિકેશન પર તેના HUID (હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન) નંબરની ચોક્કસ તપાસ કરો. આ 6-અંકનો કોડ દાગીનાની ગુણવત્તા અને શુદ્ધતા દર્શાવે છે અને તમને છેતરપિંડીથી બચાવવામાં મદદરૂપ થશે.











