ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા દહેગામમાં જન આક્રોશ સભા યોજાઈ. મુકુલ વાસનિક અને અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓની હાજરીમાં BJP અને AAPના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.

દહેગામ, શનિવાર
ગુજરાત રાજ્યની અસંખ્ય નગરપાલિકાઓની મુદત ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે અને આગામી સમયમાં ચૂંટણીનું બ્યુગલ વાગી શકે છે. આ સંજોગોમાં લાંબા સમયથી પડકારનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે દહેગામ ખાતે એક વિશાળ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભાનો મુખ્ય હેતુ સંગઠનને પુનર્જીવિત કરવાનો અને ભાજપ સરકાર સામે લોકોના આક્રોશને વાચા આપવાનો હતો, ખાસ કરીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ યોજાયો હતો.
કોંગ્રેસના દિગ્ગજોની હાજરી અને પક્ષ પલટો
દહેગામની આ સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અગ્રણી નેતાઓની હાજરી નોંધનીય હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, અને કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના પ્રથમ હરોળના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સભા દરમિયાન કોંગ્રેસ માટે એક વાત પણ સામે આવી. અન્ય પક્ષોના સંખ્યાબંધ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. માહિતી મુજબ AAP અને ભાજપના કાર્યકરોએ પોતપોતાના પક્ષોને બાય બાય કહીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આમાં દહેગામ તાલુકા અને શહેર કક્ષાના સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. જેમાં દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણ અને દહેગામ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભરતભાઈ રબારી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ભાજપ સરકાર પર પ્રહારો
સભામાં હાજર રહેલા કોંગ્રેસના નેતાઓએ કાર્યકરો અને જનતાને સંબોધન કર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ સરકારની કામગીરીની આકરી ટીકા કરી હતી. આ ઉપરાંત, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ભાજપની સરકારને નિષ્ફળ ગણાવી હતી અને જનતાના મુદ્દાઓને ઉઠાવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ હોવાનો દાવો કર્યો હતો.

આમ દહેગામ ખાતેની આ જન આક્રોશ સભા નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ માટે ઉત્સાહનો સંચાર કરનારો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ બની રહ્યો છે. અન્ય પક્ષોમાંથી કાર્યકરોનું જોડાણ એ કોંગ્રેસ માટે સારા સંકેત છે. હવે જોવાનું એ રહે છે કે શું કોંગ્રેસ આ શક્તિ પ્રદર્શનને આગામી ચૂંટણીઓમાં વોટમાં રૂપાંતરિત કરી શકશે કે કેમ.











