સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવવા માટે કયો મહિનો કે ઋતુ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. સોલાર સિસ્ટમ લગાવતા પહેલાં જગ્યા, દિશા અને સબસિડી અંગેની આ જરૂરી ટિપ્સ ચોક્કસ વાંચો.

ઘરમાં સોલાર પેનલ લગાવતી વખતે લોકો ઘણી બાબતોનું ધ્યાન રાખે છે, પરંતુ યોગ્ય ઋતુની પસંદગી કરવી પણ એટલી જ મહત્વની છે. નિષ્ણાતોના મતે યોગ્ય સમય પર સોલાર સિસ્ટમ લગાવવાથી ઇન્સ્ટોલેશન સરળ બને છે અને મહત્તમ ફાયદો મળે છે.
શિયાળો અને ઉનાળો: કઈ ઋતુ ઉત્તમ?
મોટાભાગના લોકો એવું માને છે કે સોલાર પેનલ ઉનાળામાં જ લગાવવી જોઈએ, પરંતુ વાસ્તવમાં વસંત ઋતુ (Spring Season) એટલે કે ફેબ્રુઆરીથી એપ્રિલ અને શરદ ઋતુ (Autumn) એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બરનો સમય સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આ દિવસોમાં તાપમાન મધ્યમ હોય છે, જેથી ટેકનિશિયનો ધાબા પર સરળતાથી કામ કરી શકે છે અને પેનલનું સેટિંગ બરાબર થાય છે.
ચોમાસામાં ઇન્સ્ટોલેશન ટાળવું કેમ જરૂરી?
ચોમાસાની ઋતુમાં સોલાર પેનલ લગાવવાનું બિલકુલ ટાળવું જોઈએ. વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે પેનલ યોગ્ય રીતે ફિક્સ કરવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત વાયરિંગ અને અર્થિંગના કામમાં શોર્ટ સર્કિટ થવાનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે.
જગ્યા અને દિશાનું યોગ્ય આયોજન
સોલાર પેનલ લગાવતા પહેલાં તમારા ધાબા કે રૂફટોપ પર પૂરતી જગ્યા છે કે નહીં તે ચકાસી લો. પેનલ હંમેશા એવી દિશામાં (સામાન્ય રીતે દક્ષિણ દિશામાં) હોવી જોઈએ જ્યાં આખો દિવસ સીધો સૂર્યપ્રકાશ મળી રહે. આસપાસ કોઈ ઊંચા વૃક્ષો કે બિલ્ડિંગનો પડછાયો પેનલ પર ન પડવો જોઈએ.
પેનલની ગુણવત્તા અને સબસિડી
બજારમાં મુખ્યત્વે મોનોક્રિસ્ટલાઈન અને પોલીક્રિસ્ટલાઈન એમ બે પ્રકારની પેનલ ઉપલબ્ધ છે, જેમાંથી મોનોક્રિસ્ટલાઈન પેનલ ઓછી જગ્યામાં વધુ વીજળી ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત સોલાર સિસ્ટમ લગાવતા પહેલાં સરકાર દ્વારા મળતી રૂફટોપ સોલાર સબસિડી યોજનાઓ વિશે ચોક્કસ માહિતી મેળવી લેવી જોઈએ, જેથી ખર્ચમાં મોટી રાહત મળી શકે.











