વડોદરાના માંજલપુર વિસ્તારમાં તંત્રની બેદરકારીને કારણે નિવૃત્ત DySPના પુત્રનું ખુલ્લી ગટરમાં પડી જતાં મોત નીપજ્યું છે. ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

વડોદરા, શનિવાર
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે નાગરિકોની સુરક્ષા રામભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન ખુલ્લી મુકાયેલી ગટરમાં ખાબકવાથી નિવૃત્ત પોલીસ અધિકારી (DySP)ના પુત્રનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા અને કોન્ટ્રાક્ટર સામે ભારે આક્રોશ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક આવેલી પાણીની ટાંકીની બહાર પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે રસ્તા પર મોટી પાઈપોના થર જામ્યા હતા અને લારીઓના દબાણ પણ હતા. રાત્રિના અંધારામાં ત્યાં કોર્પોરેશનનું કોઈ ચેતવણીરૂપ બોર્ડ પણ નજરે પડે તેમ ન હતું. આ દરમિયાન વિપુલસિંહ ઝાલા નામના યુવક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓ 30 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગયા હતા. તેમની સાથે રહેલી એક મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગ અને સ્થાનિકોએ સાથે મળીને દોરડા વડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ અડધો કલાકની જહેમત બાદ યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના બાદ તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા મહિનાઓથી આ કામગીરી ચાલે છે અને ખાડા ખુલ્લા હોવાથી લોકોને મુશ્કેલી પડતી હતી. જે સ્થળે આ દુર્ઘટના બની ત્યાં સુરક્ષા માટેના કોઈ બેરીકેટ કે ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. જોકે, યુવકના મોત બાદ તંત્ર રાતોરાત જાગ્યું હતું અને ઘટના સ્થળે બેરીકેટ લગાવી દીધા હતા. નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે જ એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે. આ મામલે જવાબદારો સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ પણ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ગીર સોમનાથના તાલાલા-સાસણ રોડ પર પણ આવી જ રીતે ખુલ્લી ગટરમાં 10 વર્ષનું બાળક પડ્યું હતું, જોકે સદનસીબે તેનો બચાવ થયો હતો.
એક તરફ માંજલપુરમાં ખુલ્લી ગટરને કારણે એક નાગરિકનું મોત થયું હતું અને પરિવારમાં શોકનો માહોલ હતો, તો બીજી તરફ આ ઘટનાના બીજા દિવસે સવારે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શાસકો અને સત્તાધીશો ક્રિકેટ મેચ રમવામાં વ્યસ્ત હતા, જે બાબતે પણ લોકોમાં નારાજગી જોવા મળી હતી.
સમગ્ર મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગત રાત્રે તેમને ઘટનાની જાણ થઈ હતી. આ અંગે પાણી પુરવઠાની ટીમને તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તમામ રિપોર્ટ આવ્યા બાદ જે પણ કોન્ટ્રાક્ટર કે અધિકારી કસૂરવાર જણાશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. વધુમાં તેમણે મૃતક યુવકના પરિવારને વળતર આપવા અંગે પણ વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. જ્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવાની ખાતરી આપી હતી.











