ઠાકોર સમાજે ડીજે પર પ્રતિબંધ મુકતા વિક્રમ ઠાકોર નારાજ. ગબ્બર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર મુકવા મામલે વિક્રમ ઠાકોરે શું કહ્યું? ડીજેના કારણે રોજીરોટી ગુમાવતા કલાકારો માટે વિક્રમ ઠાકોરે ખુલ્લો પડકાર ફેંક્યો છે. જાણો સમગ્ર વિવાદ.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાતમાં હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે બનાસકાંઠાના ઠાકોર સમાજમાં લેવાયેલા એક નિર્ણયે ભારે ચર્ચા જગાવી છે. થોડા સમય પહેલા ઠાકોર સમાજે લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ અને વ્યસન રોકવા માટે નવા નિયમો બનાવ્યા હતા, જેમાં ડીજે (DJ) વગાડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, આ નિર્ણય સામે હવે લોકપ્રિય ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે વિરોધ નોંધાવ્યો છે અને સમાજ સામે બાંયો ચઢાવી છે.
ગબ્બર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં આવ્યા વિક્રમ ઠાકોર
તાજેતરમાં જ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નામના કલાકારોએ સમાજના નિયમો વિરુદ્ધ જઈને લગ્નમાં ડીજે વગાડ્યું હતું. આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ ઠાકોર સમાજના આગેવાનોએ કડક નિર્ણય લઈ બંનેને 1 વર્ષ માટે સમાજ બહાર મુકવાની સજા ફટકારી હતી. આ બંને કલાકારો સાથે સામાજિક અને આર્થિક વ્યવહાર ન કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ ઘટના બાદ વિક્રમ ઠાકોર ગબ્બર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. એક જાહેર કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “જો તમે ડીજે બંધ કરાવશો તો અનેક કલાકારો બેરોજગાર થઈ જશે. જે આગેવાનોએ બંધારણ ઘડ્યું છે તેમને કદાચ ખબર નથી કે ડીજે શું છે.”
“ડીજેથી દારૂ પીવાય એ વાત ખોટી”
ડીજે પર પ્રતિબંધ મુકવા પાછળનું કારણ જણાવતા સમાજના આગેવાનોએ કહ્યું હતું કે ડીજેના કારણે લોકો દારૂ પીવે છે અને ઝઘડા થાય છે. આ તર્કને રદ કરતા વિક્રમ ઠાકોરે કહ્યું કે, “એવું જરૂરી નથી કે ડીજે વાગે તો જ દારૂ પીવાય. જો તમે ઢોલ વગાડશો તો પણ દારૂ પીનારો વ્યક્તિ પીવાનો જ છે અને ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. માત્ર ડીજે બંધ કરવાથી સમાજ સુધરી જશે એ માનવું ભૂલભરેલું છે.”
વિક્રમ ઠાકોરે વધુમાં ઉમેર્યું કે, “અમારી બાજુ તો ડીજે બંધ નહીં જ થાય. આ નિર્ણય જ ખોટો છે. જો કોઈ તમારી પાસે ડીજે બંધ કરાવવા આવે તો મને ફોન કરજો.” તેમણે ગેનીબેન ઠાકોરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સેક્ટર 11ના સંમેલનમાં તેઓ પણ હાજર હતા અને બોલ્યા હતા, હવે તેઓ એમ કહે છે કે બંધારણ મેં નથી ઘડ્યું.
જાણો શું છે ઠાકોર સમાજના કડક નિયમો?
બનાસકાંઠામાં ઠાકોર સમાજે દીકરીઓના શિક્ષણ, વ્યસન મુક્તિ અને આર્થિક બચત માટે એક બંધારણ તૈયાર કર્યું છે. જે મુજબ નીચે મુજબના નિયમો બનાવવામાં આવ્યા છે:
* ડીજે પર પ્રતિબંધ: લગ્નમાં ડીજે કે મોટા સ્પીકર નહીં વગાડાય, માત્ર 2 ઢોલ અને શરણાઈની જ મંજૂરી રહેશે.
* જાનની મર્યાદા: લગ્નમાં જાનની સંખ્યા વધુમાં વધુ 100 વ્યક્તિઓની જ રાખવી.
* વાહનો: જાનમાં માત્ર 11 ગાડીઓ જ લઈ જઈ શકાશે. સનરૂફવાળી ગાડીઓ કે રસ્તો રોકતી લાંબી કતારો પર પ્રતિબંધ છે.
* સગાઈ: સગાઈમાં વર-કન્યા પક્ષના મળીને કુલ 21 લોકો જ હાજર રહેશે. ભેટમાં માત્ર 1 રૂપિયો, નાળિયેર અને કપડાં અપાશે.
* જમણવાર: મેનુ સાદું રાખવું અને મીઠાઈમાં કોઈ એક જ આઈટમ રાખવી.
* મામેરું: સોના-ચાંદીના દાગીનાને બદલે 11,000 થી 1,51,000 રૂપિયા સુધીની રોકડ રકમ આપવી.
* મરણ પ્રસંગ: પાછળના જમણવારમાં માત્ર કઢી-ખીચડી જ બનાવવી.
* જન્મદિવસ: ખોટા ખર્ચ બંધ કરી તે રકમ શિક્ષણ સંસ્થા કે લાઈબ્રેરીમાં દાન કરવી.
વિક્રમ ઠાકોરના આ નિવેદન બાદ હવે સમાજ અને કલાકારો વચ્ચેનો આ વિવાદ નવો વળાંક લે તેવી શક્યતા છે. એક તરફ સમાજ સુધારણાની વાત છે તો બીજી તરફ કલાકારોની રોજીરોટીનો પ્રશ્ન છે.











