લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-2026’ અને ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
CM ભૂપેન્દ્ર પટેલનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત
નવલખી ગ્રાઉન્ડ ખાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વડોદરા પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું.
ત્યારબાદ મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના રાષ્ટ્રનિર્માણના યોગદાનને યાદ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ એકસાથે રાષ્ટ્રગાન ગાઈને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ લીલી ઝંડી બતાવી ‘રન ફોર યુનિટી’નું પ્રસ્થાન કરાવ્યું
પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને યુવાનોને રાષ્ટ્રીય એકતા તથા દેશની અખંડિતતા જાળવવાના શપથ લેવડાવ્યા હતા.
શપથવિધિ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. ખાસ વાત એ રહી કે ફ્લેગ ઓફ કર્યા બાદ મુખ્યમંત્રી પોતે પણ નાગરિકો અને યુવાનો સાથે દોડમાં જોડાયા હતા.
‘Say No To Drugs’ના સંદેશ સાથે યુવાનો દોડ્યા
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર યોજાયેલી આ દોડમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રીને પોતાની સાથે દોડતા જોઈ યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
દોડમાં જોડાયેલા અનેક યુવાનોના હાથમાં ‘Say No To Drugs, Say Yes To Life’ લખેલાં પ્લેકાર્ડ જોવા મળ્યાં હતાં. આ માધ્યમથી યુવાઓએ નશાની બદીથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
સમારોહમાં અનેક મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો અને યુવાનોએ પણ ‘રન ફોર યુનિટી’માં ભાગ લીધો હતો. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને નશામુક્ત સમાજનો સંદેશ આપવામાં આવ્યો હતો.










