ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ભારતમાં વાવાઝોડાની અસર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ભારતમાં વાવાઝોડાની અસર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ, 30થી 31 ઓક્ટોબર દરમિયાન સવારે 6થી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના કુલ 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 2.28 ઇંચ (58 મિમી) વરસાદ નોંધાયો છે. જ્યારે ભેંસાણમાં 0.98 ઇંચ વરસાદ પડ્યો છે.જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં વંથલીમાં 0.39 ઇંચ, મેંદરડામાં 0.08 ઇંચ અને માણાવદરમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં છે. અમરેલી તાલુકામાં 1.54 ઇંચ અને કુંકાવાવ-વડિયામાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બાબરામાં 0.24 ઇંચ અને બગસરામાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે.
કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા
આ વર્ષે અલ નીનોની અસરને કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. હવે ચોમાસા બાદ ફરી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને ખેતરમાં ઉભા પાક અને લણણીની તૈયારી કરતા ખેડૂતો માટે કમોસમી વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે.વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. જોકે, ખેડૂતોની નજર હવે આગામી દિવસોના હવામાન પર છે.










