દેશના પ્રથમ ગૃહમંત્રી અને ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

દેશના પ્રથમ ગૃહમંત્રી અને ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતાનગરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સરદાર પટેલને અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ ગણાવ્યા હતા.PM મોદીએ લખ્યું કે સરદાર પટેલે મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ ભારતના નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ભારત માતાની સેવામાં તેમનું બલિદાન અને સમર્પણ વિકસિત તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સતત પ્રેરણા આપે છે.
અમિત શાહે સરદાર પટેલને આધુનિક ભારતના શિલ્પી ગણાવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સરદાર પટેલને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતીક ગણાવ્યા હતા.અમિત શાહે જણાવ્યું કે સરદાર પટેલે પોતાની અદમ્ય હિંમત અને દૂરંદેશીથી દેશનાં રજવાડાંનું એકીકરણ કરીને મજબૂત ભારતનો પાયો નાખ્યો હતો. તેમણે અખિલ ભારતીય સેવાઓની સ્થાપનામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વધુમાં, ખેડા અને બારડોલી સત્યાગ્રહ દરમિયાન ખેડૂતોના અધિકારો માટે સરદાર પટેલે કરેલા સંઘર્ષને તેમણે જાહેર સેવા અને નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. સરદાર પટેલનું બલિદાન, સમર્પણ અને દેશભક્તિ આવનારી પેઢીઓને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ માટે પ્રેરણા આપશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પણ અર્પણ કરી પુષ્પાંજલિ
સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
ગુજરાતના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.સરદાર પટેલે દેશના રજવાડાંનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમની આ વિરાસતને યાદ કરવા દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે.










