મતદાર યાદીમાં નામ ઉમેરવાની તક ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા

કોર્ટે જણાવ્યું છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થવાનો અર્થ એવો નથી કે મતદાર યાદી સ્થગિત થઈ જાય છે.

મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (SIR) અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થવાનો અર્થ એવો નથી કે મતદાર યાદી સ્થગિત થઈ જાય છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યું હોય તો પણ કાયદેસરની પ્રક્રિયા દ્વારા ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ સુધી નામ ફરીથી ઉમેરાવી શકાય છે.

શુક્રવારે કેરળ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા કરી હતી. આ નિર્ણયથી મતદાર યાદીમાં નામ ન ધરાવતા નાગરિકોને પોતાનો મતાધિકાર જાળવી રાખવાની તક મળી શકે છે.

SIRની સમયમર્યાદા વધારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે SIR પ્રક્રિયાની સમયમર્યાદા વધારવાની માગણી ફગાવી હતી.કોર્ટે જણાવ્યું કે સમયમર્યાદા વધારવાની જરૂર નથી. કારણ કે SIR પૂર્ણ થયા બાદ પણ મતદાર યાદીમાં નામ ઉમેરવાની કાયદેસરની પ્રક્રિયા ચાલુ રહે છે.

સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ડી. એસ. નાયડુએ પણ આ બાબત સમજાવી હતી. તેમણે જણાવ્યું કે SIR પ્રક્રિયા પૂરી થયા પછી પણ નાગરિકો નામ ઉમેરવા માટે અરજી કરી શકે છે. ઉમેદવારી પત્રો ભરવાની નિર્ધારિત અંતિમ તારીખ સુધી આ પ્રક્રિયા ખુલ્લી રહે છે.

ઉત્તર પ્રદેશમાં Form 7ની અરજીઓમાં અનિયમિતતા

સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સ્વીકાર્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કેટલાક અધિકારીઓ દ્વારા ફોર્મ 7ની અરજીઓની પ્રક્રિયામાં અનિયમિતતાઓ થઈ હતી.આ બાબતની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે દોષિત અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સાથે જ અરજદારોને આવી અનિયમિતતાઓની વિગતો સીધી ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાની છૂટ આપવામાં આવી હતી.

કેરળમાં 24 લાખ મતદારોનાં નામ ગાયબ હોવાનો દાવો

કેરળમાં SIR પ્રક્રિયાનો મુદ્દો પણ સુનાવણી દરમિયાન ચર્ચાયો હતો. ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યમાં SIR પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ હતી. ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ અંતિમ મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જોકે, CPM તરફથી હાજર રહેલા વકીલ જી. પ્રકાશે દાવો કર્યો હતો કે આ પ્રક્રિયાને કારણે અંદાજે 24 લાખ મતદારોનાં નામ યાદીમાંથી ગાયબ છે.આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે CPMને એવા મતદારોની ચોક્કસ વિગતો રજૂ કરવા કહ્યું હતું, જેઓ સમયના અભાવે પોતાનાં ફોર્મ જમા કરાવી શક્યા નહોતા. આ વિગતોના આધારે ચૂંટણી પંચ તપાસ કરીને જરૂરી સુધારાત્મક પગલાં લઈ શકે છે.

ચૂંટણી પંચને સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ

અન્ય એક અરજદાર તરફથી વકીલ રાજુ રામચંદ્રને કેરળમાં મોટા પ્રમાણમાં મતદારોનાં નામ કમી થયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ચૂંટણી પંચ પાસે આ અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવાની માગણી કરી હતી.સુપ્રીમ કોર્ટે આ રજૂઆતની નોંધ લઈને ચૂંટણી પંચને પોતાનો સત્તાવાર જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા દરમિયાન કોઈ યોગ્ય મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે કાયદેસરની તક ઉપલબ્ધ રહેવી જોઈએ.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!