દહેગામ તાલુકાના અંગુથલા – રામાજીના મુવાડા ગામની સીમમાંથી મળી આવેલી એક દિવસની નવજાત બાળકીના મૃતદેહના કેસમાં દહેગામ પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે.

દહેગામ તાલુકાના અંગુથલા ગામની સીમમાંથી મળી આવેલી એક દિવસની નવજાત બાળકીના મૃતદેહના કેસમાં દહેગામ પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સામાજિક બદનામીના ડરથી પ્રેમી યુગલે નવજાત બાળકીની ગળું દબાવી હત્યા કરી હતી.
અંગુથલા ગામની સીમમાંથી મળી આવ્યો હતો બાળકીનો મૃતદેહ
પોલીસના જણાવ્યા મુજબ, 14 નવેમ્બર 2025ના રોજ અંગુથલા ગામની સીમમાં નવજાત બાળકી મળી આવી હતી. બાળકીની ઉંમર આશરે એક દિવસની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું.
ડોક્ટર દ્વારા આપવામાં આવેલા પોસ્ટમોર્ટમ અને મૃત્યુના કારણ અંગેના પ્રમાણપત્રમાં બાળકીનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સામાજિક બદનામીના ડરથી હત્યા કર્યાનો ખુલાસો
ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્ર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દહેગામ સર્કલ ડીવાયએસપી આયુષ જૈનના માર્ગદર્શન હેઠળ દહેગામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ આર. એલ. ગોયલે સર્વેલન્સ ટીમ અને બીટના માણસોની અલગ-અલગ ટીમો તપાસમાં લગાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સર્વેલન્સ ટીમના ભદ્રેશભાઈ જયંતીલાલ અને વિક્રમભાઈ કમસીભાઈ મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓ સુધી પહોંચી આરોપીઓને દબોચી લીધા હતા.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી મહિલા અને યુવક વચ્ચે પ્રેમસંબંધ હતો. મહિલા ગર્ભવતી હતી અને છેલ્લા કેટલાક સમયથી ગર્ભાવસ્થાની વાત અન્ય લોકોને ખબર પડવાની ચિંતા હતી. સામાજિક બદનામીના ડરથી બંનેએ નવજાત બાળકીનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 14 નવેમ્બરની રાત્રે પ્રસૂતિ બાદ બાળકીનું ગળું દબાવી તેને ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનામાં સંડોવણીની કબૂલાત મળ્યા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
દહેગામ પોલીસે આ કેસમાં નીચેના બે આરોપીઓની ધરપકડ કરી છે:
- કાળુજી ઈશ્વરજી રામજી સોલંકી, ઉંમર 32 વર્ષ, રહે. રામજણાની મુવાડા, તા. દહેગામ, જિ. ગાંધીનગર.
- કલ્પાબેન ખોડસિંહ સોલંકી, ઉંમર 21 વર્ષ, રહે. રામજણાની મુવાડા, તા. દહેગામ, જિ. ગાંધીનગર.
પોલીસે બંને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1) અને 3(5) મુજબ ગુનો નોંધ્યો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. હાલ આ મામલે પોલીસની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










