ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ સચિવ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વર્તમાન ચેરમેન જય શાહ બીજી વખત બિનહરીફ ચૂંટાયા છે.

ભારતીય ક્રિકેટ માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ સચિવ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વર્તમાન ચેરમેન જય શાહ બીજી વખત બિનહરીફ ચૂંટાયા છે. ICC બોર્ડની ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી બેઠકમાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી હતી.
જય શાહનો બીજો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. તેઓ ડિસેમ્બર 2030 સુધી ICCના ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. આ નિર્ણયથી વૈશ્વિક ક્રિકેટમાં તેમના નેતૃત્વ પર ICC બોર્ડનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
2024માં સંભાળી હતી ICC ચેરમેનની જવાબદારી
જય શાહ ઓગસ્ટ 2024માં ICCના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે ડિસેમ્બર 2024માં સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. તેમણે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું હતું.
બીજા કાર્યકાળ માટે પણ કોઈ અન્ય ઉમેદવાર સામે ન આવતા તેઓ બિનહરીફ ચૂંટાયા છે. ICCના બંધારણ મુજબ ચેરમેન મહત્તમ બે ત્રણ વર્ષના કાર્યકાળ સુધી આ પદ પર રહી શકે છે.
2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી
જય શાહના નવા કાર્યકાળ દરમિયાન ક્રિકેટ માટે અનેક મહત્વપૂર્ણ પડકારો અને તકો રહેશે. વર્ષ 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસી થવાની છે. આ ઉપરાંત વિશ્વભરમાં ક્રિકેટનો વ્યાપ વધારવો, નવા દેશોમાં રમતને પ્રોત્સાહન આપવું અને મહિલા ક્રિકેટને વધુ મજબૂત બનાવવું પણ પ્રાથમિકતા રહેશે.ICCએ પણ જય શાહના પુનર્નિયુક્તિ અંગે જણાવ્યું કે, આ નિર્ણયથી સંસ્થાને મહત્વના તબક્કે નેતૃત્વમાં સાતત્ય અને સ્થિરતા મળશે.
ભારતને મળશે બે મોટા ICC ટુર્નામેન્ટની યજમાની
ICCએ 2028થી 2031 સુધીના મુખ્ય પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ જાહેર કર્યું છે. તે મુજબ ભારતને બે મોટા ટુર્નામેન્ટની યજમાની મળશે.
- 2029: ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ભારતમાં થશે.
- 2031: વન-ડે વર્લ્ડ કપનું આયોજન ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે કરશે.
આ બંને ટુર્નામેન્ટને કારણે ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઉત્સાહ વધશે. ખાસ કરીને 2031ના વર્લ્ડ કપ માટે દેશના વિવિધ ક્રિકેટ સ્ટેડિયમોમાં મેચો યોજાવાની શક્યતા રહેશે.જય શાહના બીજા કાર્યકાળમાં ક્રિકેટના વૈશ્વિક વિકાસ અને મોટા આંતરરાષ્ટ્રીય આયોજન પર ખાસ નજર રહેશે.










