ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વૈષ્ણવોનો વિરોધ, ટ્રસ્ટીનો ઘેરાવ થતાં વિવાદ વકર્યો

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં VIP કલ્ચરને લઈને મોટો વિવાદ સર્જાયો છે. VIP મહેમાનો માટે વિશેષ દર્શન વ્યવસ્થા ઊભી કરવા મંદિરની પરંપરાગત વ્યવસ્થામાં ફેરફાર કરવાની કામગીરી સામે વૈષ્ણવો અને સેવક સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં VIP કલ્ચરને લઈને મોટો વિવાદ સર્જાયો છે. VIP મહેમાનો માટે વિશેષ દર્શન વ્યવસ્થા ઊભી કરવા મંદિરની પરંપરાગત વ્યવસ્થામાં ફેરફાર કરવાની કામગીરી સામે વૈષ્ણવો અને સેવક સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે. વિરોધ કરી રહેલા લોકોએ મંદિરના ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી.

કીર્તનિયા જાળીનો કઠેરો કાપવાના નિર્ણય સામે વિરોધ

મંદિરમાં VIP મહેમાનોને સરળતાથી દર્શન કરાવવા માટે ઐતિહાસિક કીર્તનિયા જાળી પાસેનો કઠેરો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ અંગે જાણ થતાં જ સ્થાનિક વૈષ્ણવો અને સેવકો એકત્ર થયા હતા.

ભક્તોનો વિરોધ છે કે થોડા ખાસ મહેમાનોની સુવિધા માટે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત વ્યવસ્થામાં ફેરફાર કરવો યોગ્ય નથી. ભગવાનના દરબારમાં દરેક ભક્ત સમાન છે, ત્યારે અલગ વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત સામે સવાલો ઉઠ્યા છે.

મંદિરના મુખ્ય દ્વાર પાસે VIP રેસ્ટ રૂમ બનાવવાની યોજના

વિવાદનું બીજું કારણ મંદિરના મુખ્ય દ્વાર નજીક VIP રેસ્ટ રૂમ બનાવવાનું આયોજન છે. અહેવાલ મુજબ, આ રૂમમાં AC બેઠક વ્યવસ્થા, બાથરૂમ અને શૌચાલય જેવી સુવિધાઓ ઊભી કરવાની યોજના હતી.

આ નિર્ણય સામે પણ વૈષ્ણવોમાં રોષ જોવા મળ્યો હતો. તેમનું કહેવું છે કે સામાન્ય દર્શનાર્થીઓ માટે બેસવાની પૂરતી વ્યવસ્થા નથી. વૃદ્ધો અને દૂરથી આવતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. ત્યારે VIP મહેમાનો માટે વૈભવી સુવિધાઓ ઊભી કરવાને બદલે સામાન્ય ભક્તોની સુવિધા વધારવી જોઈએ.

‘કર્ણાવતી કલ્ચર’ લાવવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ

વિરોધ કરી રહેલા સેવકો અને વૈષ્ણવોએ ડાકોરમાં VIP કલ્ચર ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે તેને ‘કર્ણાવતી કલ્ચર’ ગણાવીને મંદિરની પરંપરા અને સમાનતાની ભાવનાને જાળવવાની માગ કરી હતી.

આ મુદ્દે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં એકત્ર થયા હતા. તેમણે ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ટ્રસ્ટીએ એક અઠવાડિયામાં ઉકેલ લાવવાની ખાતરી આપી

ભક્તોના વિરોધ બાદ ટ્રસ્ટી ગિરીશ દાણીએ રજૂઆત સાંભળી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભગવાનની સામે VIP બાથરૂમ અને શૌચાલય બનાવવાના આયોજન સામે સેવકોની નારાજગી ધ્યાનમાં લેવામાં આવશે.

આ સુવિધાઓ અન્ય સ્થળે ખસેડવાની અને આગામી એક અઠવાડિયામાં વિવાદનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, જે જગ્યાએ VIP રેસ્ટ રૂમ બનાવવાનું આયોજન હતું ત્યાં સામાન્ય ભક્તો માટે ખુરશી, ટેબલ અને સોફાની બેઠક વ્યવસ્થા ઊભી કરવાની વાત પણ કરવામાં આવી હતી.જોકે, વૈષ્ણવો અને સેવકોએ ચેતવણી આપી છે કે જો વિવાદિત નિર્ણય પાછો નહીં ખેંચાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.


 

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!