ગુજરાતના ૨૦૦૨ના ચકચારી બિલકિસ બાનો ગેંગરેપ અને પરિવારના સભ્યોની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો છે.

ગુજરાતના ૨૦૦૨ના ચકચારી બિલકિસ બાનો ગેંગરેપ અને પરિવારના સભ્યોની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો છે. અદાલતે આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે દોષિતોની સજા સ્થગિત કરીને તેમને જામીન આપ્યા છે. બંને દોષિતોએ ૧૭ વર્ષથી વધુનો સમય જેલમાં વિતાવ્યો છે.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ આદેશ આપ્યો હતો. બંને દોષિતો – બિપિનચંદ્ર કનૈયાલાલ જોશી અને પ્રદીપ રામલાલ મોઢિયાએ બોમ્બે હાઈકોર્ટના ૨૦૧૭ના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે બંને લાંબા સમયથી જેલમાં છે અને એક દોષિત ગંભીર શારીરિક અક્ષમતા ધરાવે છે. અપીલમાં કાયદાકીય અને હકીકતલક્ષી મુદ્દાઓની તપાસ કરવાની બાકી હોવાથી અદાલતે સજા સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત સરકાર તરફથી આ જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે ટ્રાયલ કોર્ટની શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે.
Bilkis Bano Case: ૨૦૦૨ના રમખાણો સાથે જોડાયેલો છે મામલો
ઉલ્લેખનીય છે કે, બિલકિસ બાનો કેસ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલો છે. ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન આઘાતજનક ઘટના બની હતી. ઓગસ્ટ ૨૦૨૨માં ગુજરાત સરકારે આ કેસના ૧૧ દોષિતોને સજા માફી આપીને મુક્ત કર્યા હતા, પરંતુ જાન્યુઆરી ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે તે મુક્તિનો નિર્ણય રદ કરીને દોષિતોને ફરી જેલમાં મોકલી દીધા હતા. હવે તેમાંથી બે દોષિતોને અપીલની સુનાવણી બાકી રહેતા જામીન મળ્યા છે, જોકે તેમની દોષસિદ્ધિ હજુ રદ થઈ નથી.










