8th Pay Commissionની રાહ જોતા કર્મચારીઓ માટે મોટા સમાચાર. કેન્દ્ર સરકારે RBI, NABARD અને સરકારી વીમા કંપનીના કર્મચારીઓના પગાર-પેન્શનમાં જબરદસ્ત વધારો મંજૂર કર્યો છે. જાણો કોને કેટલો ફાયદો અને એરિયર્સ મળશે.

ગાંધીનગર, રવિવાર
જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અને 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. 8મા પગાર પંચની જાહેરાત થાય તે પહેલાં જ સરકારના નાણા મંત્રાલયે નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા હજારો કર્મચારીઓ અને પેન્શનરોને ખુશ કરી દીધા છે.
સરકારે પબ્લિક સેક્ટર જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ, નાબાર્ડ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ તેમજ નિવૃત્ત થયેલા લોકોના પગાર અને પેન્શનમાં વધારાને લીલી ઝંડી આપી દીધી છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ નિર્ણયથી કોને કેટલો ફાયદો થશે અને કઈ તારીખથી આ વધારો લાગુ પડશે.
1. સરકારી વીમા કંપનીના કર્મચારીઓને જલસા
કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. આ કર્મચારીઓના પગારમાં કરવામાં આવેલો સુધારો 1 ઓગસ્ટ, 2022 થી અમલમાં ગણાશે. એટલે કે, કર્મચારીઓને પાછલી અસરથી ફાયદો મળશે. આ નિર્ણયથી કંપનીઓના કુલ પગાર બિલમાં લગભગ 12.41% નો વધારો થશે. કર્મચારીઓના બેઝિક પગારઅને મોંઘવારી ભથ્થામાં 14% સુધીનો વધારો થશે. આનો સીધો લાભ અંદાજે 43,247 કર્મચારીઓને મળશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.
2. રિઝર્વ બેન્ક (RBI) ના પેન્શનરો માટે ખુશખબર
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ માટે પણ સરકારે તિજોરી ખોલી દીધી છે. તેમના પેન્શન અને ફેમિલી પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો છે, જે 1 નવેમ્બર, 2022 થી લાગુ ગણાશે. નિવૃત્ત કર્મચારીઓના બેઝિક પેન્શન અને મોંઘવારી રાહત (DR) પર 10% નો વધારો મંજૂર કરાયો છે. આ વધારાને કારણે તેમનું મૂળ પેન્શન હવે 1.43 ગણું વધી જશે. આ નિર્ણયનો લાભ 30,769 પેન્શનરોને મળશે. સૌથી મહત્વની વાત એ છે કે બાકી નીકળતા એરિયર્સ પેટે સરકાર 2,485.02 કરોડ રૂપિયાની ચૂકવણી એકસાથે કરશે.
3. નાબાર્ડના પગારમાં 20% નો જમ્પ
નાબાર્ડના કર્મચારીઓ માટે તો આ સમાચાર ડબલ ખુશી લઈને આવ્યા છે. સરકારે તેમના પગારમાં 20% સુધીનો મોટો વધારો મંજૂર કર્યો છે. આ નવો પગાર વધારો 1 નવેમ્બર, 2022 થી અમલમાં આવશે. નાબાર્ડના ગ્રુપ ‘A’, ‘B’ અને ‘C’ કેટેગરીના તમામ કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થશે. પેન્શનરો માટે ખાસ: જે કર્મચારીઓ 1 નવેમ્બર, 2017 પહેલા નિવૃત્ત થયા હતા, તેમના પેન્શનમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે તેમને અગાઉના RBI નાબાર્ડ નિવૃત્ત કર્મચારીઓની સમકક્ષ ગણવામાં આવશે.
નાણા મંત્રાલયનો આ નિર્ણય તહેવારો પહેલાં જ કર્મચારીઓ માટે મોટી ભેટ સમાન છે. એક તરફ જ્યાં 8મા પગાર પંચની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ નાણાકીય સંસ્થાઓના કર્મચારીઓને મળેલા આ વધારાથી તેમના મનોબળમાં ચોક્કસપણે વધારો થશે અને નિવૃત્ત લોકોની સામાજિક સુરક્ષા વધુ મજબૂત બનશે.











