દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની કંપનીઓ સાથે જોડાયેલી ₹7.44 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની કંપનીઓ સાથે જોડાયેલી ₹7.44 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. EDએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ 15 સપ્ટેમ્બરે વચગાળાના આદેશ દ્વારા કરવામાં આવી છે.
ED દ્વારા કરવામાં આવેલી આ તપાસ સત્યેન્દ્ર જૈન, તેમની પત્ની પૂનમ જૈન અને અન્ય સામે બેનામી સંપત્તિ તથા આવક કરતાં વધુ સંપત્તિના કેસ સાથે સંબંધિત છે. આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા પહેલેથી જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સત્યેન્દ્ર જૈન પર આરોપ છે કે તેમણે 14 ફેબ્રુઆરી, 2015થી 31 મે, 2017 દરમિયાન દિલ્હી સરકારમાં મંત્રીપદે હતા ત્યારે આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરી હતી. અગાઉ, EDએ 2022માં પણ જૈનની ₹4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
ED દ્વારા આ કાર્યવાહી દિલ્હી હાઈકોર્ટના તાજેતરના નિવેદન બાદ કરવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે જૈનના સહયોગીઓ – અંકુશ જૈન અને વૈભવ જૈન – તેમની બેનામી સંપત્તિના ધારક હતા અને તેમણે 2016ની આવક પ્રકટીકરણ યોજના હેઠળ બેંકમાં ₹7.44 કરોડ રોકડા જમા કરાવ્યા હતા. CBIએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સત્યેન્દ્ર જૈન અને તેમની પત્ની વિરુદ્ધ FIR પણ દાખલ કરી હતી અને ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની તપાસ હજુ ચાલુ છે.











