છત્તીસગઢના રાયપુરના સિલ્તારા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી ગોદાવરી ઇસ્પાત ફેક્ટરીમાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત સર્જાયો છે.

છત્તીસગઢના રાયપુરના સિલ્તારા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી ગોદાવરી ઇસ્પાત ફેક્ટરીમાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત સર્જાયો છે. ફેક્ટરીના નિર્માણ વિભાગની છત તૂટી પડવાથી આ ગમખ્વાર ઘટનામાં ઓછામાં ઓછા 6 મજૂરોના કરૂણ મોત થયા છે, જ્યારે 6 અન્ય મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રાયપુરના એસપી લાલ ઉમેદ સિંહે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ફેક્ટરીમાં મજૂરો દટાયા હોવાની માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ (રેસ્ક્યુ) ઓપરેશન શરૂ કર્યું હતું.
ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ હતી. તમામ ઘાયલ મજૂરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.











