દિવાળી પહેલાં અમૂલના ઘી-બટરના ભાવમાં ભડકો,જાણો નવા ભાવ

દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF) દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વિવિધ પેકિંગના ભાવમાં ₹3થી લઈને ₹50 સુધીનો વધારો થયો છે. આ ભાવવધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડશે.

દિવાળી અને તહેવારોની સિઝન પહેલાં જ સામાન્ય નાગરિકોના ઘરખર્ચમાં વધારો થયો છે. દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF) દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વિવિધ પેકિંગના ભાવમાં ₹3થી લઈને ₹50 સુધીનો વધારો થયો છે. આ ભાવવધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડશે.

બીજી તરફ, અમદાવાદ અને વડોદરા સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં અમૂલ કાઉ ઘીની અછત હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ગણેશોત્સવ બાદથી કેટલીક જગ્યાએ ઘીનો પુરવઠો ઓછો મળતો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

અમૂલના ઘી અને બટરના નવા ભાવ

નવા દરો મુજબ, સૌથી વધુ વધારો 1 કિલોના ઘીના કાર્ટનમાં થયો છે. અગાઉ ₹630માં મળતું આ પેકિંગ હવે ₹680માં મળશે. એટલે કે, ગ્રાહકોએ એક કિલો ઘી માટે ₹50 વધુ ચૂકવવા પડશે.

અમૂલ પ્રોડક્ટ જૂનો ભાવ નવો ભાવ વધારો
ઘી (1 કિલો કાર્ટન) ₹630 ₹680 ₹50
પ્યોર ઘી (500 ગ્રામ પાઉચ) ₹325 ₹345 ₹20
બટર (100 ગ્રામ પેક) ₹63 ₹66 ₹3
બટર (500 ગ્રામ પેક) ₹310 ₹325 ₹15

GSTમાં ઘટાડા બાદ ફરી ભાવવધારો

સપ્ટેમ્બર 2025માં ડેરી ઉત્પાદનો પર GSTનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો હતો. તે સમયે અમૂલે 700થી વધુ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કર્યો હતો.

ત્યારે એક લીટર ઘીનો ભાવ ₹650થી ઘટીને ₹610 થયો હતો. જ્યારે 100 ગ્રામ બટરનો ભાવ ₹62થી ઘટીને ₹58 થયો હતો. જોકે, હવે થયેલા નવા ભાવવધારાથી ગ્રાહકોને અગાઉ મળેલી રાહતનો મોટો હિસ્સો ઓછો થયો છે.

નકલી ઘી સામે કાર્યવાહી બાદ બ્રાન્ડેડ ઘીની માંગ વધી

સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનામાં ગુજરાત અને રાજસ્થાનમાંથી આશરે 2 લાખ કિલો નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. નકલી ઘી સામેની કાર્યવાહી બાદ ગ્રાહકો બ્રાન્ડેડ ઘી તરફ વળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ સ્થિતિમાં અમૂલ જેવી જાણીતી બ્રાન્ડના ઘીની માંગ વધી હોવાનું માનવામાં આવે છે. જોકે, બજારમાં અછત પાછળનાં તમામ કારણો અંગે સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.

તહેવારોમાં ઘીની માંગ વધતાં પુરવઠા પર અસર

ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ દરમિયાન વપરાતા કુલ ઘીમાંથી આશરે 45 ટકા ઘી તહેવારોની સિઝનમાં વપરાય છે. ગણેશોત્સવથી દિવાળી અને બેસતા વર્ષ સુધી મીઠાઈ સહિતની વાનગીઓમાં ઘીની માંગ વધે છે.

આ વર્ષે માંગમાં થયેલા વધારાથી પુરવઠા પર દબાણ ઊભું થયું હોવાની શક્યતા છે. ખાસ કરીને અમૂલ કાઉ ઘીની ઉપલબ્ધતા અંગે વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે.

અમદાવાદના સેટેલાઇટમાં પણ અમૂલ ઘીનો સ્ટોક ખૂટ્યો

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ સહિતના કેટલાક સ્ટોર્સમાં અમૂલ ઘી અને બટરનો સ્ટોક ઉપલબ્ધ ન હોવાની માહિતી સામે આવી છે. વડોદરામાં પણ કેટલાક પાર્લર સંચાલકો અને કરિયાણાના વેપારીઓએ ઘીનો પુરવઠો ઓછો મળતો હોવાની ફરિયાદ કરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!