સંવિધાન દિવસ સ્પેશિયલ: 26 નવેમ્બરની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? જાણો ભારતીય બંધારણના ઈતિહાસ અને મહત્વ વિશે

ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ કેમ ઉજવવામાં આવે છે? ભારતીય બંધારણ તૈયાર થવામાં કેટલો સમય લાગ્યો હતો અને તેની શરૂઆત ક્યારથી થઈ? જાણો આ દિવસના ઈતિહાસ અને મહત્વ વિશેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં.

અમદાવાદ, બુધવાર
આજે સમગ્ર દેશમાં ગર્વ સાથે ‘સંવિધાન દિવસ’ એટલે કે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક ભારતીય નાગરિક માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે, પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે આખરે 26 નવેમ્બરની તારીખ જ આ ઉજવણી માટે કેમ પસંદ કરવામાં આવી? તો તમને જણાવી દઈએ કે, આ તારીખ ભારતના લોકશાહી ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. વાસ્તવમાં, વર્ષ 1949માં 26 નવેમ્બરના દિવસે જ ભારતની બંધારણ સભાએ ઔપચારિક રીતે ભારતના બંધારણને સ્વીકાર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં જ આપણે દર વર્ષે આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ.

આ દિવસ ઉજવવાની સત્તાવાર શરૂઆત વર્ષ 2015થી થઈ હતી. બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં આ દિવસને ‘સંવિધાન દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. 26 નવેમ્બર 2015ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે કેન્દ્ર સરકારના આ નિર્ણયને અધિસૂચિત કર્યો હતો. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકોમાં બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ અને સન્માનની ભાવના કેળવવાનો છે.

26 નવેમ્બરનો દિવસ દરેક ભારતવાસી માટે ગૌરવનો દિવસ છે. આ એ જ દિવસ છે જ્યારે ભારતને એક એવું પુસ્તક મળ્યું, જેણે દરેક ભારતીયને સમાનતાનો અધિકાર આપ્યો, સ્વતંત્ર રીતે જીવવાનો હક આપ્યો અને પોતાના નિર્ણયો જાતે લેવાની શક્તિ આપી. ભારત જેવા વિવિધતાઓથી ભરેલા દેશમાં અલગ-અલગ ધર્મ, જાતિ અને વિચારધારા ધરાવતા લોકોને એક તાંતણે બાંધવું ખૂબ મુશ્કેલ કામ હતું. તેથી, બંધારણ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરવામાં આવી હતી, જેથી કોઈ પણ વ્યક્તિના અધિકારો રહી ન જાય. બંધારણના દરેક પાસા પર લગભગ 3 વર્ષ સુધી ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા અને તર્ક-વિતર્ક કરવામાં આવ્યા હતા.

ભારતનું બંધારણ તૈયાર થવામાં કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો લાંબો સમય લાગ્યો હતો. આ અથાગ પ્રયત્નોના અંતે 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થયું હતું. ગૌરવની વાત એ છે કે આપણા દેશનું બંધારણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તેને બનાવતી વખતે અમેરિકા, આયર્લેન્ડ, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુનાઈટેડ કિંગડમ જેવા અનેક દેશોના બંધારણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાંથી શ્રેષ્ઠ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દેશોના બંધારણોમાંથી આપણે નાગરિકોના કર્તવ્યો, મૂળભૂત અધિકારો, સરકારની ભૂમિકા તેમજ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ચૂંટણી પ્રક્રિયા જેવા મહત્વના વિષયો અપનાવ્યા છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય માણસના જીવનમાં શ્રેષ્ઠ સુધારો લાવવાનો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!