હેલ્થ ઇન્શ્યોરન્સ લેતા પહેલા 4 સૌથી અગત્યની બાબતો: કવરેજ, વેઇટિંગ પિરિયડ, નેટવર્ક હોસ્પિટલ્સ અને ક્લેઈમ સેટલમેન્ટ રેશિયોની સંપૂર્ણ માહિતી મેળવો. જો આ 4 પોઈન્ટ્સ પર ધ્યાન નહીં આપો, તો સારવારનો ખર્ચ જાતે ભોગવવો પડી શકે છે.

અમદાવાદ, બુધવાર
કોરોના મહામારીએ લોકોને જીવનમાં સ્વાસ્થ્ય વીમાનું શું મહત્વ છે તે સારી રીતે સમજાવી દીધું છે. આજે મોટાભાગના લોકો પોતાને અને પોતાના પરિવારને મેડિકલ ઈમરજન્સીથી સુરક્ષિત રાખવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદી રહ્યા છે. જોકે, ઘણીવાર અધૂરી માહિતીને કારણે કે માત્ર સસ્તા પ્રીમિયમને જોઈને ખોટી પોલિસી પસંદ કરી લેવામાં આવે છે. આવા સમયે, જ્યારે ખરેખર જરૂર પડે છે, ત્યારે હોસ્પિટલમાં દાખલ થતાં જ ખર્ચો તમારા ખિસ્સા પર આવી પડે છે.
તમે આ મુશ્કેલીથી બચી શકો તે માટે, કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતા પહેલા તમારે 4 ખાસ બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
1. કવરેજને ધ્યાનથી વાંચો
સૌથી પહેલું અને મહત્વનું કામ છે પોલિસીના કવરેજને સમજવું. ઘણી ઇન્શ્યોરન્સ કંપનીના પ્લાન બહારથી ખૂબ આકર્ષક લાગે છે, પરંતુ જ્યારે તમે તેની ડિટેલ્સ વાંચશો ત્યારે ખબર પડશે કે તે મોટી કે ગંભીર બીમારીઓનો મોટો ભાગ કવર જ નથી કરતી. તમારે ચેક કરવું જોઈએ કે તમારી પોલિસીમાં કઈ-કઈ બીમારીઓ અને સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કઈ-કઈ બીમારીઓ કે કન્ડિશન્સને કવરેજમાંથી બહાર રાખવામાં આવી છે. પોલિસીમાં રૂમ રેન્ટની મર્યાદા, આઈસીયુ ચાર્જ અને ડોક્ટર્સની ફીનું કવરેજ કેટલું છે, તે પણ જોઈ લો. મર્યાદિત કવરેજને કારણે તમને મોટો ફટકો પડી શકે છે.
2. વેઇટિંગ પિરિયડને અવગણશો નહીં
‘વેઇટિંગ પિરિયડ’ એક એવો સમયગાળો છે જે દરમિયાન પોલિસી ખરીદ્યા પછી પણ તમે અમુક પ્રકારની સારવાર માટે ક્લેઇમ કરી શકતા નથી. દરેક પોલિસીમાં વેઇટિંગ પિરિયડ અલગ-અલગ હોય છે, જે આ પ્રમાણે હોઈ શકે છે:
સામાન્ય વેઇટિંગ પિરિયડ: પોલિસી શરૂ થયાના પહેલા 30 કે 90 દિવસનો સમયગાળો.
પહેલેથી હોય તેવી બીમારીઓ: જો તમને પહેલાથી કોઈ બીમારી હોય, તો તેના કવરેજ માટે સામાન્ય રીતે 1 થી 4 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.
ખાસ બીમારીઓ માટે: મોતીયાબિંદુ, હર્નીયા, કે ઢીંચણ બદલવા જેવી કેટલીક ચોક્કસ સર્જરીઓ માટે પણ 1 થી 2 વર્ષનો વેઇટિંગ પિરિયડ હોય છે.
આ પિરિયડ પૂરો થયા પછી જ તમે ક્લેઇમ કરી શકશો.
3. હોસ્પિટલનું નેટવર્ક જરૂર ચકાસો
હેલ્થ ઇન્શ્યોરન્સનો સૌથી મોટો ફાયદો ‘કેશલેસ સુવિધા’ છે. આ સુવિધાનો અર્થ છે કે હોસ્પિટલનું બિલ સીધું ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે અને તમારે તમારા ખિસ્સામાંથી પૈસા આપવા નહીં પડે.
કેશલેસ સુવિધાનો લાભ ત્યારે જ મળે છે જ્યારે તમારી પસંદ કરેલી હોસ્પિટલ ઇન્શ્યોરન્સ કંપનીના ‘નેટવર્ક’માં હોય.
પોલિસી લેતા પહેલા કંપનીની નેટવર્ક હોસ્પિટલ લિસ્ટ જરૂર જુઓ. જો નેટવર્ક નાનું હશે કે તમારી નજીકની સારી હોસ્પિટલ તેમાં નહીં હોય, તો ઇમરજન્સીમાં તમારે બિલના પૈસા પહેલા જાતે ચૂકવવા પડશે અને પછી કંપની પાસે ‘રીઇમ્બર્સમેન્ટ’ માટે લાંબી રાહ જોવી પડશે.
4. ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો પર નજર રાખો
ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો એ સૌથી મહત્વનો આંકડો છે. આ રેશિયો દર્શાવે છે કે કંપનીએ 100 ક્લેઈમમાંથી કેટલા ક્લેઈમ સરળતાથી પાસ કર્યા છે.
ઉદાહરણ તરીકે, જો કંપનીનો CSR 95% હોય, તો તેનો અર્થ છે કે તેણે દર 100 ક્લેઈમમાંથી 95 ક્લેઈમને સફળતાપૂર્વક ચૂકવ્યા છે. હંમેશા એવી કંપની પસંદ કરો જેનો CSR સારો એટલે કે 90% કે તેથી વધુ હોય અને જેનો પાછલો રેકોર્ડ સ્વચ્છ હોય. ઓછો રેશિયો દર્શાવે છે કે ક્લેઈમ મંજૂર થવામાં તમને મુશ્કેલી પડી શકે છે.
પ્રીમિયમ અને ફીચર્સ વચ્ચે બેલેન્સ
સસ્તા પ્લાન હંમેશા સારા નથી હોતા. ઘણીવાર ઓછા પ્રીમિયમવાળી પોલિસીમાં કવરેજ ખૂબ મર્યાદિત હોય છે, જે હોસ્પિટલના મોટા બિલ સામે ઓછું પડે છે. બીજી તરફ, જો તમને જરૂર ન હોય તો ખૂબ મોંઘી અને હાઈ-ફાઈ પોલિસી લેવાનો પણ કોઈ અર્થ નથી.
ક્યારેય પણ પોલિસીના ડોક્યુમેન્ટ્સ વાંચ્યા વગર અને દરેક શરતોને સમજ્યા વગર માત્ર એજન્ટની વાતો પર વિશ્વાસ કરીને પોલિસી ન ખરીદો. થોડી સાવધાની રાખવાથી તમે અને તમારો પરિવાર મેડિકલ ઇમરજન્સીમાં મોટી નાણાકીય મુશ્કેલીઓથી બચી શકો છો.











