દિવાળીની રાત્રે ગુજરાતમાં હિંસાની ઘટનાઓ, સુરતમાં 18 વર્ષીય યુવકની હત્યા, અમદાવાદમાં ફાયરિંગ અને ભાવનગરમાં તોડફોડ

ગુજરાતના વિવિધ શહેરોમાં હિંસક ઘટનાઓ સામે આવી છે. સુરતના ગોડાદરામાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં 18 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી.

દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે ગુજરાતના વિવિધ શહેરોમાં હિંસક ઘટનાઓ સામે આવી છે. સુરતના ગોડાદરામાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં 18 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદમાં ફટાકડાની બાબતે થયેલા વિવાદમાં તોડફોડ અને ફાયરિંગની ઘટના બની હતી. બીજી તરફ, ભાવનગરના ફુલસર વિસ્તારમાં વાહનોમાં તોડફોડ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.તહેવારના આનંદ વચ્ચે બનેલી આ ઘટનાઓએ જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા વધારી છે.

સુરતના ગોડાદરામાં ફટાકડાની બાબતે 18 વર્ષીય યુવકની હત્યા

સુરતના ગોડાદરા વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પ્રસિદ્ધ સંતોષ મોરે નામના 18 વર્ષીય યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલાખોરોએ યુવકની છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ હતી.

અમદાવાદમાં 20થી 25 લોકોના ટોળાએ મચાવી તોડફોડ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા એમ્પાયર સ્કાયવ્યૂ એપાર્ટમેન્ટ બહાર પણ દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે વિવાદ થયો હતો. આ તકરારે હિંસક સ્વરૂપ લેતાં આશરે 20થી 25 લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો.

આ દરમિયાન તોડફોડ થતાં વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ હતી. મળતી માહિતી મુજબ, સ્વબચાવમાં રાકેશ પટેલ નામના વ્યક્તિએ હવામાં બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

આ મામલે પોલીસે મિલન રબારી, મીત દેસાઈ, મૌલિક દેસાઈ અને રાહુલ દેસાઈ સહિતના લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરના ફુલસરમાં વાહનોમાં તોડફોડ

ભાવનગરના ફુલસર વિસ્તારમાં પણ દિવાળીની રાત્રે અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. કેટલાક લોકોએ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત, જાહેરમાં હથિયારો સાથે ફરતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

તહેવારના માહોલમાં હિંસક ઘટનાઓથી ચિંતા

દિવાળી જેવા આનંદના તહેવાર દરમિયાન સામાન્ય બાબતોમાં થયેલી તકરાર હિંસા અને હત્યા સુધી પહોંચતાં નાગરિકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. સુરત, અમદાવાદ અને ભાવનગરની આ ઘટનાઓમાં પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી મહત્ત્વપૂર્ણ બની છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!