ગુજરાતમાં મહેસૂલ વસૂલાતને લઈને સરકારે મહત્વનો ફેરફાર કર્યો છે. છેલ્લા 7 વર્ષથી સિટી સર્વે પાસે રહેલી સત્તા હવે ફરીથી તલાટીઓને સોંપવામાં આવી છે. વાંચો આ નિર્ણય પાછળનું કારણ અને નવી વ્યવસ્થા શું હશે.

ગાંધીનગર, બુધવાર
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અસર રાજ્યભરના મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં જોવા મળશે. છેલ્લા 7 વર્ષથી મહેસૂલ ઉઘરાવવાની જે સત્તા સિટી સર્વે કચેરી પાસે હતી, તે હવે પાછી ખેંચીને ફરીથી પંચાયત વિભાગના તલાટીઓને સોંપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સિટી સર્વેના કર્મચારીઓને કામના ભારણમાંથી મોટી રાહત મળી છે.
2018માં બદલાયો હતો નિયમ
વાત જાણે એમ છે કે, જાન્યુઆરી 2018માં ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ પહેલા મહેસૂલ ઉઘરાવવાનું કામ તલાટીઓ કરતા હતા, પરંતુ 2018ના આદેશ મુજબ આ કામગીરી તલાટીઓ પાસેથી લઈ લેવામાં આવી હતી અને સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરોને સોંપવામાં આવી હતી.
જોકે, આ નિર્ણયનો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો હતો. સિટી સર્વે ઓફિસમાં પહેલાથી જ પ્રોપર્ટી કાર્ડ બનાવવા અને જમીન માપણી જેવી કામગીરીનું ભારણ હતું. તેમાં વળી અપૂરતા સ્ટાફને કારણે મહેસૂલ ઉઘરાવવાનું કામ અઘરું બની ગયું હતું અને ઘણી મુશ્કેલીઓ સર્જાતી હતી.
નવો પરિપત્ર અને તલાટીઓની વાપસી
સિટી સર્વેના કર્મચારીઓ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે સરકારને આ બાબત સમજાતા, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક દ્વારા તારીખ 5 ફેબ્રુઆરીના રોજ એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને મોકલી આપવામાં આવ્યો છે.
નવા આદેશ મુજબ, હવે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં (પરિવર્તનીય વિસ્તાર સિવાય) બિનખેતીના ગામ નમૂના નંબર-2 મુજબની મહેસૂલ વસૂલાતની કામગીરી પહેલાની જેમ જ પંચાયત વિભાગ એટલે કે તલાટીઓ દ્વારા કરવાની રહેશે.
અર્થઘટનની ભૂલ અને સુધારો
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે અગાઉ જાહેરનામું બહાર પડ્યું હતું ત્યારે તેમાં માત્ર પરિવર્તનીય વિસ્તારનો ઉલ્લેખ હતો. પરંતુ તેના અર્થઘટનમાં ગેરસમજ થવાને કારણે તમામ પ્રકારના મહેસૂલ વસૂલવાનો બોજ સિટી સર્વે પર આવી ગયો હતો. હવે સરકારે આ ભૂલ સુધારી લીધી છે અને સ્પષ્ટતા કરી છે.
હવે સિટી સર્વે પાસે કઈ સત્તા રહેશે?
આ સુધારા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓ માત્ર તેમનું મહેસૂલ વસૂલવાની સત્તા જ સિટી સર્વે કચેરી પાસે રહેશે. બાકીના અન્ય વિસ્તારોનું રેગ્યુલર મહેસૂલ ઉઘરાવવાનું કામ હવેથી તલાટીઓ સંભાળશે. આમ, 7 વર્ષ બાદ ફરીથી જૂની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.











