મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશને માઈક્રોન અને ગૂગલની મુલાકાત લીધી, AI-સ્કિલિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા : પર્પ્લેક્સિટી AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક, ગુજરાતમાં R&D અને ડેટા સેન્ટર સેટઅપની સંભાવનાઓ પર વિચારવિમર્શ

ગાંધીનગર, બુધવાર : વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027ના સંદર્ભમાં યુ.એસ. પ્રવાસે ગયેલા ગુજરાતના પ્રતિનિધિમંડળે પ્રવાસના ત્રીજા દિવસે માઈક્રોન અને ગૂગલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ મુલાકાતો દરમિયાન ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, યુવા કૌશલ્ય વિકાસ અને ડેટા સેન્ટર સહિતના ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત પર્પ્લેક્સિટી AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજાઈ હતી તેમજ સિલિકોન વેલીના ધ ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ (TiE)ના સભ્યો સાથે પણ બેઠક યોજીને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
માઈક્રોન સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ચર્ચા
માઈક્રોનના ચેરમેન સંજય મહેરોત્રાએ સાણંદ ફેસિલિટી માટે 20 એકર જમીનની માત્ર એક જ દિવસમાં મંજૂરી આપવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. માઈક્રોન યુનિટનું વ્યાપારી ઉત્પાદન ઝડપથી શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અભિગમની પણ તેમણે પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફેબ્રુઆરી-2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે માઈક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં સાણંદ અને ધોલેરા સેમિકન્ડક્ટર ક્ષેત્રના મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે વિકસી રહ્યા છે.
ગૂગલ ગુજરાત સાથે AI ક્ષેત્રે કામ કરવા ઉત્સુક
ગુજરાતના પ્રતિનિધિમંડળે ગૂગલની મુલાકાત લઈને ત્યાંની વિવિધ કામગીરી અંગે જાણકારી મેળવી હતી. મુલાકાત દરમિયાન ગૂગલના વાઈસ પ્રેસિડેન્ટ ચંદુ થોટાએ યુવા કૌશલ્ય વિકાસ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI ટ્રેનિંગના ક્ષેત્રમાં ગુજરાત સાથે કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.
આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં પાક પેટર્ન, ક્લાઈમેટ અને સોઈલ સંબંધિત ક્ષેત્રોમાં AIના ઉપયોગ અંગે પણ ચર્ચા થઈ હતી. ડેટા સિક્યુરિટી માટે ગૂગલ વર્કસ્પેસ સોવરીન AIના ઉપયોગની સંભાવનાઓ અંગે પણ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
પર્પ્લેક્સિટી AI ગુજરાતમાં R&D અને ડેટા સેન્ટર માટે ઉત્સુક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પર્પ્લેક્સિટી AIના CEO અરવિંદ શ્રીનિવાસ વચ્ચે વન-ટુ-વન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાતમાં એન્જિનિયરિંગ તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પર્પ્લેક્સિટીની હાજરી સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ અથવા ડેવલપર અને પર્પ્લેક્સિટી AI વચ્ચે હાઈબ્રિડ સેટઅપ વિકસાવવાની દિશામાં પણ રસ દાખવ્યો હતો.
TiE સાથે હેલ્થકેર અને યુથ સ્કિલિંગ અંગે ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ (TiE)ના સભ્યો સાથે પણ બેઠક યોજી હતી. 1992માં સિલિકોન વેલીમાં સ્થાપિત TiE સાથેની બેઠક દરમિયાન ગુજરાતમાં હેલ્થકેર, હેલ્થ વર્કર્સની તાલીમ અને વિવિધ AI ટૂલ્સના માધ્યમથી યુવાનોના કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ તમામ મુલાકાતો અને બેઠકો દરમિયાન મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને ગુજરાતના પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.











