ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીધામ અને જામનગરમાં મોટી કાર્યવાહી કરી છે. પામ ઓઇલ અને વનસ્પતિની ભેળસેળવાળું કરોડો રૂપિયાનું નકલી ઘી ઝડપાયું. જાણો સમગ્ર ઘટના અને કઈ રીતે થતી હતી ભેળસેળ.

અમદાવાદ, શનિવાર
રાજ્યમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે સરકાર સખત બની છે. ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે એક મોટી કાર્યવાહી કરીને ગાંધીધામ અને જામનગરમાં દરોડા પાડ્યા છે. આ રેડમાં શુદ્ધ ઘીના નામે વેચાતા બનાવટી ઘીનો પર્દાફાશ થયો છે અને કુલ 1.4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તપાસમાં સામે આવ્યું છે કે ભેળસેળ કરનારાઓ શુદ્ધ ઘીમાં રિફાઇન્ડ પામ ઓઇલ (RPO) નો ઉપયોગ કરતા હતા, જેનું ટેક્સચર બિલકુલ ઘી જેવું જ હોય છે, જેના કારણે સામાન્ય માણસ માટે અસલી અને નકલી ઘી વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બની જાય છે.
ગાંધીધામમાં 1.32 કરોડનો માલ સીઝ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને મળેલી બાતમીના આધારે તારીખ 11 સપ્ટેમ્બર, 2025 ના રોજ કચ્છના ગાંધીધામમાં આવેલી મે. ભારત ફૂડ્સ કો-ઓપરેટિવ લિ. પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી અધિકારીઓએ રિફાઇન્ડ પામ ઓઇલ અને વનસ્પતિના કુલ 4 સેમ્પલ લીધા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી શંકાસ્પદ 67 ટન રિફાઇન્ડ પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 1.32 કરોડથી વધુ થાય છે. અધિકારીઓએ તાત્કાલિક અસરથી આ સમગ્ર જથ્થો સીઝ કરી દીધો છે અને પેઢીને ટેન્કર દ્વારા લુઝ ઓઇલનું વેચાણ ન કરવા માટે નોટિસ પણ આપી છે.
જામનગરમાં રંગે હાથે ઝડપાયા
આગલા જ દિવસે, એટલે કે તારીખ 12 સપ્ટેમ્બર, 2025 ના રોજ, વિભાગે જામનગરના ધ્રોલમાં આવેલી મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો. પર રેડ કરી હતી. અહીં ભેળસેળ કરનારાઓને ઘીમાં સોયાબીન તેલ અને વનસ્પતિની ભેળસેળ કરતા રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા.
ટીમે સ્થળ પરથી ઘી, વનસ્પતિ અને સોયાબીન તેલના કુલ 4 નમૂના લઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત, 5.8 લાખની કિંમતનો 2 ટન જેટલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા આ પેઢીનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આગળ શું કાર્યવાહી થશે?
ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, બંને સ્થળોએથી લેવાયેલા કુલ 8 સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ તત્વોને છોડવામાં આવશે નહીં અને સરકાર શુદ્ધ અને સલામત ખોરાક સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે.











