જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા મળી છે. ઓપરેશન ત્રાશી-I હેઠળ જૈશના 3 ખૂંખાર આતંકીઓ ઠાર મરાયા છે. જાણો કેવી રીતે સેનાએ આ ઓપરેશન પાર પાડ્યું.

જમ્મુ-કાશ્મીર, સોમવાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો સફાયો કરવા માટે ભારતીય સેના સતત એક્શન મોડમાં છે. રવિવારે સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. કિશ્તવાડ જિલ્લાના દુર્ગમ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ તમામ આતંકીઓ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા હતા.
સેનાએ આ સ્પેશિયલ ઓપરેશનને ઓપરેશન ત્રાશી-I (Trashi-I) નામ આપ્યું હતું. આ કાર્યવાહી કિશ્તવાડના ચટરુ બેલ્ટના પાસેરકુટ વિસ્તારમાં કરવામાં આવી હતી.
ત્રીજા આતંકીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો
શરૂઆતમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર હતા, પરંતુ સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક સફળતા મળી છે. સેનાના વ્હાઈટ નાઈટ કોર્પ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સુરક્ષાદળોને ત્રીજા આતંકવાદીનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો છે.
આ અંગે સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “ઓપરેશન ત્રાશી-1 હેઠળ CIF (કાઉન્ટર ઇન્ટેલિજન્સ ફોર્સ) ડેલ્ટા, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF ના જવાનોએ સાથે મળીને આતંકીનો સળગેલો મૃતદેહ અને હથિયારો કબજે કર્યા છે.” માર્યા ગયેલા આતંકીઓ પાસેથી 2 AK-47 રાઈફલ સહિત મોટા પાયે દારૂગોળો મળી આવ્યો છે.
આ રીતે સેનાએ આતંકીઓને જાળમાં ફસાવ્યા
આ ઓપરેશનની સફળતા પાછળ પોલીસ અને સેનાનું જબરદસ્ત નેટવર્ક કામ કરી ગયું. પોલીસ, IB અને ગુપ્તચર વિભાગ તરફથી પાક્કી બાતમી મળી હતી કે કિશ્તવાડના પહાડોમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે.
રવિવારે સવારે લગભગ 11 વાગ્યે સેના, પોલીસ અને CRPF ની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આતંકવાદીઓ પહાડની નીચે આવેલા એક કાચા માટીના મકાનમાં સંતાયેલા હતા. જ્યારે જવાનો નજીક પહોંચ્યા ત્યારે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. જોકે, ભારતીય સેનાના જવાનોએ વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપ્યો અને ત્રણ આતંકીઓને ઢાળી દીધા.
પાકિસ્તાની નાગરિકો હોવાનું ખૂલ્યું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઠાર થયેલા બંને આતંકીઓ પાકિસ્તાની નાગરિક હતા અને અહીં અશાંતિ ફેલાવવા આવ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં આ વિસ્તારના જંગલોમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘણી વાર અથડામણ થઈ છે. આ ઓપરેશન સાથે, ભારતીય સેનાએ આ વર્ષે જમ્મુ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના કુલ 6 આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને આતંકીઓ વિરુદ્ધનું આ શિકાર ચાલુ જ રહેશે.











