અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતને ઐતિહાસિક જીત અપાવનાર મોહિત ઉલ્વાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે.

અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતને ઐતિહાસિક જીત અપાવનાર મોહિત ઉલ્વાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ભારતને એક વિકેટે વિજય અપાવનાર આ યુવા ખેલાડીના રાજકોટ સ્થિત પરિવારના ઘરે ખુશીનો માહોલ છે. પુત્રના શાનદાર પ્રદર્શનથી પિતા પણ ગર્વ અને લાગણીથી ભાવુક થઈ ગયા છે.
પિતાએ વ્યક્ત કર્યો પુત્રની સફળતા પર ગર્વ
મોહિતની ઐતિહાસિક ઇનિંગ બાદ તેના પરિવારજનોમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. પિતાએ ભારતીય ટીમના પ્રદર્શનની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આ ખૂબ મોટી ખુશીની ક્ષણ છે. આપણા બાળકોએ શાનદાર રમત બતાવી છે.
તેમણે કહ્યું કે એક સમયે એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાન સરળતાથી મેચ જીતી જશે. પરંતુ ભારતીય ખેલાડીઓએ હારેલી બાજી પલટાવીને જીત મેળવી હતી.
પિતાએ મોહિતની શિસ્તબદ્ધ રમત અને મહેનતની પણ પ્રશંસા કરી હતી. તેમના જણાવ્યા મુજબ, મોહિત દરરોજ પોતાના લક્ષ્યો નક્કી કરીને મહેનત કરે છે અને રમતને વધુ સારી બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે.
338 રનના લક્ષ્યાંક સામે મોહિતની યાદગાર ઇનિંગ
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 337 રન બનાવ્યા હતા. ભારત સામે 338 રનનો પડકાર હતો. એક સમયે ભારતીય ટીમ 252 રનમાં 8 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
આ સ્થિતિમાં મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ નવમી વિકેટ માટે 57 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. મનલ 47 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મોહિતે ચિગુરુપતિ વેંકટ સાથે અંતિમ વિકેટ માટે મહત્વપૂર્ણ રન જોડ્યા હતા.
મોહિતે માત્ર 26 બોલમાં અણનમ 49 રન ફટકાર્યા હતા. અંતિમ બોલે ત્રણ રનની જરૂર હતી ત્યારે તેણે ચોગ્ગો ફટકારીને ભારતને એક વિકેટે જીત અપાવી હતી.
ગુજરાતના યુવા ખેલાડીએ દેશનું નામ રોશન કર્યું
મોહિત ઉલ્વા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારનો યુવા ક્રિકેટર છે. તેની ક્રિકેટ સફરની શરૂઆત ગામમાં ટેનિસ બોલ ક્રિકેટથી થઈ હતી. તેના પિતાએ તેની પ્રતિભા ઓળખીને ક્રિકેટમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું.
ત્યારબાદ મોહિતે જામનગરની ક્રિકેટ બંગલો એકેડમીમાં કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી હતી. આ જ કોચે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પણ શરૂઆતના સમયમાં માર્ગદર્શન આપ્યું હતું.
મોહિતની આ સિદ્ધિથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. ભારતને નવમી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ અપાવવામાં તેની ભૂમિકા યાદગાર બની રહેશે.










