વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. શુક્રવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. શુક્રવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન પોતાના કાફલા સાથે ગાંધીનગરના લોકભવન જવા રવાના થયા હતા.
વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન ગુજરાત સરકારના મંત્રીઓ સાથે વિશેષ ડિનર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકને ધ્યાનમાં રાખીને તમામ મંત્રીઓને સાંજે 7 વાગ્યા સુધીમાં ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.
લોકભવનમાં રાત્રિ રોકાણ, મંત્રીઓ સાથે બેઠક
વડાપ્રધાન મોદી ગાંધીનગરના લોકભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન ગુજરાત સરકારના મંત્રીઓ અને ભાજપના અગ્રણીઓ સાથે ભોજન બેઠક યોજાવાની છે.
આ બેઠકમાં રાજ્ય સરકારની કામગીરી, વિવિધ વિભાગોના આયોજન અને આગામી સમયની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા થઈ શકે છે. જોકે, બેઠકનો સત્તાવાર એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી.
2027ની ચૂંટણી પહેલાં ગુજરાતના પ્રવાસને રાજકીય મહત્વ
ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સંજોગોમાં વડાપ્રધાનની મંત્રીઓ અને ભાજપના અગ્રણીઓ સાથેની બેઠકને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સરકારની કામગીરી અને સંગઠન સાથેના સંકલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. જોકે, ચૂંટણીલક્ષી કોઈ ચોક્કસ નિર્ણય કે રણનીતિ અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી.
વડાપ્રધાન મોદીનો અંબાજી દર્શનનો કાર્યક્રમ મોકૂફ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 14 નવેમ્બરે લાભ પાંચમના પર્વે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરવાનો કાર્યક્રમ અગાઉ નક્કી થયો હતો. જોકે, છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અંબાજીમાં તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. લાભ પાંચમના દિવસે ભીડ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સામાન્ય ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી વડાપ્રધાને પોતાની મુલાકાત મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. તેઓ આગામી દિવસોમાં ફરી અંબાજી દર્શન માટે આવશે.
14 નવેમ્બરે દિલ્હી પરત ફરશે
અંબાજીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા બાદ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ હવે ગાંધીનગર સુધી મર્યાદિત રહેશે. તેઓ 14 નવેમ્બરે સવારે લોકભવનથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.










