Pakistan Blast: બલૂચિસ્તાનમાં સુરક્ષા ચોકી પર કાર બોમ્બથી હુમલો, 2 નાગરિકોનાં મોત; 3 હુમલાખોર ઠાર, 17 ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા ચોકીને નિશાન બનાવી વિસ્ફોટક ભરેલી કારથી હુમલો કરવામાં આવ્યો છે. 12 નવેમ્બરની સાંજે મસ્તુંગ જિલ્લાના કાંડવા વિસ્તારમાં આવેલા ફ્રન્ટિયર કોર્પ્સ (FC)ના સુરક્ષા મથક પાસે આ વિસ્ફોટ થયો હતો

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા ચોકીને નિશાન બનાવી વિસ્ફોટક ભરેલી કારથી હુમલો કરવામાં આવ્યો છે. 12 નવેમ્બરની સાંજે મસ્તુંગ જિલ્લાના કાંડવા વિસ્તારમાં આવેલા ફ્રન્ટિયર કોર્પ્સ (FC)ના સુરક્ષા મથક પાસે આ વિસ્ફોટ થયો હતો.આ ઘટનામાં બે નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે 17 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ, સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ હુમલાખોરો માર્યા ગયા હતા. ઘાયલોમાં સુરક્ષા દળના જવાનોનો પણ સમાવેશ થાય છે.

વિસ્ફોટક ભરેલી કારથી સુરક્ષા ચોકીને નિશાન બનાવાઈ

પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરોએ નેશનલ હાઇવે N-25 પર આવેલી કાંડવા પોસ્ટને નિશાન બનાવી હતી. વિસ્ફોટકોથી ભરેલું વાહન સુરક્ષા મથક તરફ લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો.

વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. તેની અસરથી આસપાસનાં રહેણાક મકાનો અને એક મસ્જિદને પણ નુકસાન પહોંચ્યું હતું. કેટલાક અહેવાલો મુજબ પાંચ જેટલાં મકાનો ધરાશાયી થયાં હતાં.

સુરક્ષા દળોની કાર્યવાહીમાં ત્રણ હુમલાખોરો ઠાર

હુમલા બાદ સુરક્ષા દળોએ તાત્કાલિક જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

અકસાન્ટમાં બે નાગરિકોનાં મોત થયાં હતાં. જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ફ્રન્ટિયર કોર્પ્સના જવાનો અને સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

BLAએ હુમલાની જવાબદારી સ્વીકારી

આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મી (BLA)એ સ્વીકારી હોવાના અહેવાલ છે. સંગઠને હુમલામાં સામેલ વ્યક્તિની ઓળખ ઓસામા શહવાની તરીકે જણાવી હતી.

જોકે, હુમલાની જવાબદારી અંગે સંગઠનના દાવા અને પાકિસ્તાની સુરક્ષા તંત્રના નિવેદનોને અલગ રીતે જોવાની જરૂર છે. પાકિસ્તાની પોલીસએ હુમલાખોરોને ‘ફિતના અલ હિંદુસ્તાન’ સાથે જોડાયેલા ગણાવ્યા છે.

બલૂચિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ ફરી ચર્ચામાં

બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા દળો અને અલગતાવાદી સંગઠનો વચ્ચે હિંસક અથડામણોની ઘટનાઓ સામે આવી રહી છે. ખનિજ સંપત્તિથી સમૃદ્ધ આ પ્રાંતમાં રાજકીય અને સુરક્ષા સંબંધિત તણાવ લાંબા સમયથી ચાલી રહ્યો છે.કાંડવા પોસ્ટ પર થયેલા હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!