ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્સ્ટેબલની હત્યાનો ભેદ ઉકેલાયો, લગ્નનું દબાણ હત્યાનું કારણ બન્યું

ગાંધીનગરના સેક્ટર-24માં મહિલા પોલીસ કોન્સ્ટેબલ રીંકલબેન વણઝારા ની હત્યાનો ભેદ LCB એ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. આરોપી મોહન નાગજીભાઇ પારઘી ની અમરેલીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કબૂલ્યું કે, મૃતકે લગ્ન માટે દબાણ કરતાં ઝઘડો થયો અને તેણે ગળું દબાવી હત્યા કરી. જાણો આ આખી ઘટનાની ડિટેઇલ્સ.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પાઠ્ય પુસ્તક મંડળના ક્વાર્ટર્સ માંથી મળી આવેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ રીંકલબેન હસમુખભાઇ વણઝારા ઉંમર આશરે 32ની શંકાસ્પદ મોતનો કેસ આખરે ઉકેલાઈ ગયો છે. અમદાવાદ સિટી શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રીંકલબેન મૂળ ગારીયાધાર, ભાવનગરના વતની હતા અને ગાંધીનગરમાં પોતાના ભાઈ-ભાભી સાથે રહેતા હતા.

પ્રથમ દૃષ્ટિએ હત્યા જણાતા, સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1) હેઠળ ગુનો નોંધાયો હતો. LCBએ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંગ યાદવ અને જીલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ LCB-1 અને LCB-2 ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસને જાણવા મળ્યું કે મૃતક રીંકલબેન લાંબા સમયથી અમરેલીના રહેવાસી મોહન નાગજીભાઇ પારઘી ઉંમર 33ના સંપર્કમાં હતા. તાત્કાલિક LCBની એક ટીમ અમરેલી રવાના થઈ અને ત્યાંની LCB ટીમની મદદથી આરોપી મોહન પારઘીને રાઉન્ડઅપ કરીને ગાંધીનગર લાવવામાં આવ્યો.

આરોપીની કબૂલાત: લગ્નનું દબાણ બન્યું હત્યાનું કારણ

શરૂઆતમાં ગલ્લાંતલ્લાં કરનાર આરોપીએ આકરી પૂછપરછમાં ગુનો કબૂલ્યો હતો. મોહન પારઘી અને રીંકલબેન વર્ષ 2011/2012માં અમરેલી ખાતે કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને બન્ને મૂળ ગારીયાધારના વતની હોવાથી સંપર્કમાં આવ્યા હતા. આરોપી મોહનના વર્ષ 2015માં લગ્ન થઈ ગયા બાદ પણ બન્ને સંપર્કમાં રહ્યા. આરોપીએ કબૂલ્યું કે 29 સપ્ટેમ્બર, 2025ના રોજ રીંકલબેનના ભાઈ-ભાભી બહારગામ ગયા હોવાથી કોઈ ઘરે હાજર નહોતું. સ્નેપચેટ દ્વારા વાત થયા બાદ મોહન પારઘી બપોરે 1 વાગ્યે ST બસ મારફતે અમરેલીથી નીકળી અમદાવાદ અને પછી રાત્રે 9 વાગ્યે ખાનગી વાહનમાં ગાંધીનગર પહોંચ્યો હતો.

ઘરે વાતચીત દરમિયાન, રીંકલબેને મોહન પર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. આરોપી પરિણીત હોવાથી અને લગ્નને લગભગ 10 વર્ષ થયા હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી. આ બાબતે ઝઘડો થતાં આરોપી મોહન પારઘીએ ઘરમાં રહેલા કપડા વડે રીંકલબેનનું શ્વાસ રૂંધાય જાય તે રીતે મોઢું દબાવી દઈ તેમની હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ તે તરત જ ST બસ મારફતે અમરેલી પરત જતો રહ્યો હતો. પોલીસે આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1) C મુજબ અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી માટે સેક્ટર-21 પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ ચાલુ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!