એકતાનગરમાં PM મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું- દેશમાં હજુ ‘દિમાગી નક્સલો’નો ખતરો

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે કેવડિયાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે કેવડિયાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ‘નક્સલ મુક્ત ભારત’ની થીમ પર આધારિત એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં PM મોદીએ ભારત વિરોધી તાકાતો અને વિપક્ષની ભૂમિકા અંગે નિવેદનો આપ્યાં હતાં. તેમણે કહ્યું કે દેશમાં સશસ્ત્ર નક્સલવાદનો અંત આવ્યો હોવા છતાં ‘દિમાગી નક્સલો’નો ખતરો હજુ ટળ્યો નથી.

સોશિયલ મીડિયાના માધ્યમથી દેશની છબી ખરડવાનો પ્રયાસ: PM મોદી

PM મોદીએ કહ્યું કે કેટલીક તાકાતો જૂઠ્ઠાણાં ફેલાવીને દેશમાં અસ્થિરતા સર્જવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને ભારતની છબી ખરડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

તેમણે દેશવાસીઓને આવી તાકાતોને ઓળખવા અને સાવચેત રહેવા અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સૌએ સાથે મળીને આગળ વધવું જરૂરી છે.

વિપક્ષ પર PM મોદીના આકરા પ્રહાર

વિપક્ષની ભૂમિકા અંગે બોલતાં વડાપ્રધાને બાબાસાહેબ આંબેડકર અને બંધારણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બંધારણમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંનેની વ્યવસ્થા કરવામાં આવી છે. વિપક્ષનું કામ સરકારની નીતિઓનો વિરોધ કરવાનું છે.જોકે, PM મોદીએ આક્ષેપ કર્યો કે હાલનો વિપક્ષ પોતાની જવાબદારી ભૂલીને અવરોધ ઊભા કરવાનું કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે વિપક્ષે અવરોધને જ પોતાની રાજનીતિ બનાવી દીધી છે.

ભારતની એકતા જાળવવા સૌએ સાવચેત રહેવું જરૂરી

વડાપ્રધાને વધુમાં કહ્યું કે દેશવિરોધી તાકાતો અને જૂઠ્ઠાણાં ફેલાવનારાઓને ઓળખવાની જરૂર છે. વિદેશમાં કોની સાથે કોણ મુલાકાત કરે છે અને ભારત વિરોધી તાકાતો કોને સમર્થન આપે છે, તે અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.PM મોદીના મતે, દેશની એકતા અને અખંડિતતા સામે પડકાર ઊભા કરનારા તત્વો સામે નાગરિકોએ જાગૃત રહેવું જોઈએ. રાષ્ટ્રીય એકતા દિવસના મંચ પરથી તેમણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!