સાબરકાંઠાઃ જાદરને તાલુકો ન બનાવતા ભડકો, MLA રમણ વોરા ભૂગર્ભમાં, 70 BJP આગેવાનોના રાજીનામાથી ખળભળાટ

ગુજરાત સરકાર દ્વારા 17 નવા તાલુકાની જાહેરાત બાદ જાદરને સ્થાન ન મળતા ઉગ્ર વિરોધ. સ્થાનિકોએ MLA રમણ વોરાના ઘરનો ઘેરાવ કર્યો, 70 જેટલા ભાજપ કાર્યકરોએ રાજીનામા આપ્યા.

સાબરકાંઠા, ગુરૂવાર
ગુજરાત સરકારના 17 નવા તાલુકા બનાવવાની જાહેરાત બાદ સાબરકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. લાંબા સમયથી તાલુકાનો દરજ્જો આપવાની માંગ કરી રહેલા ઇડરના જાદર ગામને લિસ્ટમાં સ્થાન ન મળતા સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. રોષે ભરાયેલા લોકોના ટોળાએ સ્થાનિક ભાજપના ધારાસભ્ય રમણ વોરાના ઘરનો ઘેરાવ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. લોકોનો આક્રોશ જોતા MLA રમણ વોરા પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને રીતસરના ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

એકસાથે 70 આગેવાનોએ કેસરિયો ઉતાર્યો
સરકારના આ નિર્ણયથી નારાજ થયેલા જાદર પંથકના 70થી વધુ સિનિયર ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓએ સામૂહિક રીતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું કહેવું છે કે છેલ્લા 6 ટર્મથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફક્ત “લોલીપોપ” આપી રહ્યા છે. જો પાડોશી બનાસકાંઠાને 4 અને અરવલ્લીને 2 નવા તાલુકા મળી શકતા હોય, તો જાદર સાથે આવો અન્યાય કેમ? આક્રોશિત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે હવે જાદર વિસ્તારના ગામડાઓમાં ભાજપના કોઈપણ નેતાને પ્રવેશવા દેવામાં નહીં આવે અને પાર્ટીનો એકપણ પ્રોગ્રામ યોજવા દેવાશે નહીં.

ચૂંટણી પહેલાં ભાજપ માટે મોટો પડકાર
આ સમગ્ર વિવાદ એવા સમયે થયો છે જ્યારે રાજ્યમાં તાલુકા પંચાયત, APMC અને સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ નજીક આવી રહી છે. આ વિરોધની આગ આગામી ચૂંટણીઓમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.

સૌરાષ્ટ્રમાં પણ આંદોલનના એંધાણ
નવા તાલુકાઓની વહેંચણીમાં સૌરાષ્ટ્રની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી છે, જેને કારણે ત્યાં પણ સરકાર વિરુદ્ધ આંદોલન થવાના ભણકારા વાગી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સરકારે વોટબેંકને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને આદિવાસી વિસ્તારો પર વધુ ફોકસ કર્યું છે, જ્યાં ભાજપ પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. કેટલાક લોકો એવી પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને મોડી કરવા માટે સરકારે આ પગલું ભર્યું હોઈ શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!