‘ડો. આરંભી’ શોના જુનિયર આર્ટિસ્ટ 51 વર્ષીય સંજીબ સિંહનું શૂટિંગ પૂરું કર્યા બાદ હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે, જેના પગલે ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શો ‘ડો. આરંભી’ (Dr. Aarambhi) માં કામ કરતા 51 વર્ષીય જુનિયર આર્ટિસ્ટ સંજીબ સિંહનું રવિવારે વહેલી સવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. આ ઘટના બાદ સમગ્ર ટીવી જગતમાં શોકની લહેર ફરી વળી છે.
ઘટના કેવી રીતે બની?
મળતી માહિતી મુજબ, સંજીબ સિંહ મુંબઈના સાકી નાકા સ્થિત એસજે સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યા હતા. તેમણે બપોરે 2 વાગ્યે શૂટિંગ શરૂ કર્યું હતું અને સતત કામ કર્યા બાદ સવારે લગભગ 3 વાગ્યે શૂટિંગ પૂર્ણ કર્યું હતું. શૂટિંગ દરમિયાન તેમણે બેચેની અનુભવતા વચ્ચે-વચ્ચે આરામ પણ કર્યો હતો. શૂટિંગ પૂરું કરીને જેવી તેઓ સેટની બહાર નીકળ્યા, ત્યારે તેમને ગંભીર હાર્ટ એટેક આવ્યો. ત્યાં હાજર લોકો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.
પરિવારની ગંભીર સ્થિતિ
સંજીબ સિંહ અપરિણીત હતા અને તેમના પરિવારમાં ભાઈ-બહેન છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમની બહેન છૂટાછેડા લીધેલ છે અને તેમના ભાઈની તબિયત પણ લાંબા સમયથી નાજુક છે, જેના કારણે આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના નિધન બાદ, FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ) એ શોક વ્યક્ત કરી પરિવારને તાત્કાલિક આર્થિક મદદ પૂરી પાડી છે. તેમના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે તેમને હવાઈ માર્ગે કોલકાતા લઈ જવામાં આવ્યા હતા.











