ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામે વિધર્મીઓ દ્વારા આશરે 3.5 વિધા જમીન પચાવી પાડ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.. જમીન માલિકને વડીલોથી મળેલી 3.5 વીઘા જમીન પર વિધર્મીઓએ 40થી વધુ ગેરકાયદે બાંધકામો તાણી બાંધ્યા છે. જેને લઈને જમીન માલિકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી છે.. જાણો સમગ્ર મામલો અને નવરાત્રિના પથ્થરમારાનો વિવાદ.

દહેગામ, મંગળવાર
દહેગામના બહિયલમાં ગરબા પર પથ્થરમારા બાદ દબાણો પર દાદાનું બુલડોઝર ચાલવાનું છે ત્યારે ગામના કેટલાક માથાભારે વિધર્મીઓ ઘ્વારા ખેડૂતની જમીન પચાવી પાડી તેમાં 40 જેટલાં મકાનો બનાવી દીધા હોવાનો મામલો સામે આવ્યો છે. જમીન માલિક દ્વારા આ મામલે લેન્ડ ગ્રેબિન્ગની અરજી પણ કરવામાં આવેલ છે અને મુખ્યમંત્રીને પણ રજુઆત કરવા છતાં હજુ ન્યાય નથી મળ્યો ત્યારે CM ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી આ જમીન મામલે ન્યાય અપાવે તેવી ખેડૂતે માંગણી કરી છે.

3.5 વીઘા જમીન પર 40થી વધુ ગેરકાયદે બાંધકામ
બહિયલ ગામની સીમમાં આવેલી સર્વે નંબર 682 જેમાં જૂનો સર્વે નંબર 536 વાળી આશરે 3.5 વીઘા ખેતીની જમીન ગોસ્વામી પરિવારની માલિકીની છે. સરકારી રેકોર્ડ્સ પણ આ વાતની પુષ્ટિ કરે છે કે આ જમીન પેઢીઓથી તેમની માલિકીની છે. જોકે, જમીન માલિકોની રજૂઆત મુજબ ગામના મુસ્લિમ પરિવારોના 34થી વધુ સભ્યોએ આ જમીન પર ગેરકાયદે કબજો જમાવી લીધો છે. એટલું જ નહીં, તેમણે કોઈ પણ પ્રકારની મંજૂરી કે બિનખેતી પરવાનગી વગર આ જમીન પર 40થી વધુ પાકા મકાનો અને દુકાનો બનાવીને ગેરકાયદેસર વસાહત ઊભી કરી દીધી છે.
જમીન માલિક પરિવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ મામલે લેખિત રજૂઆતો કરી છે. તેમની ફરિયાદ છે કે, ગેરકાયદેસર કબજો કરનારાઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને જમીનનો હક પોતાનો હોવાનું જૂઠાણું ફેલાવ્યું છે.

લેન્ડ ગ્રેબિંગ કમિટી સુધી પહોંચ્યો મામલો, જમીન માલિકો ભયભીત
આ ગેરકાયદેસર કબજાને દૂર કરાવવા માટે જમીન માલિક પરિવારે કાયદાકીય માર્ગ અપનાવ્યો છે. તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી દાખલ કરી છે, જે હાલમાં પ્રક્રિયામાં છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ આ અરજીને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ સમિતિને મોકલી આપવામાં આવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે આ મામલાની ગંભીર નોંધ લીધી છે.
જમીન માલિકે વ્યક્ત કર્યો જીવને ખતરો
જમીન માલિક પરિવારે અરજીમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે આ ગેરકાયદેસર કબજો કરનારા લોકો માથાભારે છે. જ્યારે પણ તેમણે પોતાની જમીન પાછી લેવાનો કે સમજાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આ લોકોએ તેમના પર હુમલો કર્યો છે. આ પરિવારોના સભ્યોની સંખ્યા વધુ હોવાથી જમીન માલિકો સતત ભયભીત રહે છે અને તેમને કાયદેસર કાર્યવાહી કરવામાં પણ ડર લાગી રહ્યો છે.

નવરાત્રિના સમયમાં થયેલા પથ્થરમારાનો વિવાદ
આ જમીન વિવાદના કારણે ગામમાં થયેલા એક ગંભીર બનાવનો પણ જમીન માલિકોએ ખાસ ઉલ્લેખ કર્યો છે. આ વિવાદના મૂળમાં રહેલી તંગદિલીના કારણે થોડા દિવસો પહેલાં, ખાસ કરીને નવરાત્રિના સમયગાળા દરમિયાન, બહિયલ ગામમાં પથ્થરમારાની ઘટના પણ બની હતી. આ ઘટનાએ ગામમાં ભારે તણાવ પેદા કર્યો હતો અને સમગ્ર વિવાદમાં વધુ ગંભીરતા ઉમેરી દીધી છે. હાલમાં જમીન માલિક પરિવારને આશા છે કે રાજ્ય સરકાર અને કાયદો તેમની વડીલો પાસેથી મળેલી જમીન પર થયેલા ગેરકાયદેસર કબજાને દૂર કરાવીને તેમને ન્યાય અપાવશે.











