જ્યારે વિશ્વનું ધ્યાન ઈરાન-અમેરિકા સંઘર્ષ પર છે, ત્યારે ચીને PoK અને અફઘાનિસ્તાન સરહદ નજીક સેનલિંગ નામનો નવો જિલ્લો બનાવ્યો છે. જાણો ભારત માટે આ કેમ ચિંતાનો વિષય છે.

નવી દિલ્હી, સોમવાર
આજે જ્યારે આખી દુનિયાની નજર ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ પર ટકેલી છે, ત્યારે પાડોશી દેશ ચીને મોકો જોઈને ભારતની સરહદ પાસે એક મોટી ચાલબાજી કરી છે. ચીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા પોતાના શિનજિયાંગ પ્રાંતમાં એક નવા વહીવટી જિલ્લાની સ્થાપના કરી છે. ભારતની વારંવારની ચેતવણી છતાં ચીને આ દુસાહસ કર્યું છે.
શું છે ચીનનો નવો પ્લાન?
ચીનના શિનજિયાંગ ઉઇગર સ્વાયત્ત પ્રદેશની સરકારે 26 માર્ચના રોજ સત્તાવાર રીતે ‘સેનલિંગ’ (Senling) નામની નવી કાઉન્ટી એટલે કે નવા જિલ્લાની જાહેરાત કરી છે. આ નવો વિસ્તાર કાશગર પ્રશાસન હેઠળ કામ કરશે. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 1 વર્ષમાં ચીને આ વિસ્તારમાં બનાવેલો આ ત્રીજો નવો જિલ્લો છે. આ પહેલા ચીને ‘હેઆન’ અને ‘હેકાંગ’ નામની બે કાઉન્ટી બનાવી હતી, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો.
ભારત માટે કેમ છે ચિંતાનો વિષય?
ભારત સરકારે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે ચીન જે વિસ્તારોમાં નવા જિલ્લા બનાવી રહ્યું છે, તેનો કેટલોક હિસ્સો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ છે. ખાસ કરીને ‘હેઆન’ કાઉન્ટીમાં વિવાદિત અક્સાઈ ચીનનો મોટો ભાગ આવેલો છે, જે ભારતનો અભિન્ન હિસ્સો છે. ચીન આ રીતે વહીવટી ફેરફારો કરીને વિવાદિત જમીન પર પોતાનો દાવો મજબૂત કરવા માંગે છે.
વ્યૂહાત્મક રીતે આ વિસ્તારનું મહત્વ
ચીન જે નવી સેનલિંગ કાઉન્ટી બનાવી રહ્યું છે, તેની પાછળ ઘણા મહત્વના કારણો છે:
વખાન કોરિડોર: આ જિલ્લો અફઘાનિસ્તાનના સાંકડા વખાન કોરિડોર સાથે જોડાયેલો છે, જે લગભગ 74 કિમી લાંબી પટ્ટી છે.
આતંકવાદનું બહાનું: ચીન એવો દાવો કરી રહ્યું છે કે ઉઇગર લડવૈયાઓની ઘૂસણખોરી રોકવા અને સરહદની સુરક્ષા વધારવા માટે આ ફેરફાર જરૂરી છે.
CPECની સુરક્ષા: નિષ્ણાતોનું માનવું છે કે ચીન પોતાના ‘ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર’ (CPEC) ને સુરક્ષિત કરવા માટે આ વિસ્તારમાં પોતાનું નિયંત્રણ વધારી રહ્યું છે.
ચીન જે રીતે ભારતીય સરહદોની આસપાસ સતત નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી એકમો ઉભા કરી રહ્યું છે, તે સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે ગંભીર પડકાર છે. જ્યારે વિશ્વના અન્ય દેશો યુદ્ધમાં વ્યસ્ત છે, ત્યારે ચીન શાંતિથી સરહદ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. ભારતે પણ હવે આ દિશામાં વધુ સતર્ક રહીને કૂટનીતિક અને વ્યૂહાત્મક પગલાં ભરવા પડશે.











