મહારાષ્ટ્રના એક શ્રમિકની 12 વર્ષની દીકરી અદિતિ પાર્થેની નાસા (NASA)ની ટૂર માટે પસંદગી થઈ છે. ઘરમાં સ્માર્ટફોન અને સ્કૂલમાં કમ્પ્યુટર ન હોવા છતાં, તેણે કઠિન પરીક્ષા પાસ કરીને હજારો વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા. જાણો આ પ્રેરક સફર વિશે.

મહારાષ્ટ્ર, સોમવાર
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા એક અત્યંત સામાન્ય પરિવારની 12 વર્ષની દીકરીએ કમાલ કરી બતાવ્યો છે. પુણેના ભોર તાલુકાના નાનકડા ગામની રહેવાસી અદિતિ પાર્થેની પસંદગી અમેરિકાની વિશ્વ વિખ્યાત સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નાસાની મુલાકાત માટે થઈ છે. આ સિદ્ધિ તેણે જિલ્લા પરિષદ દ્વારા આયોજિત એક અઘરી પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરીને મેળવી છે.
ગરીબીમાં જીવતા પરિવારની પ્રેરણાદાયી કહાણી
અદિતિનું જીવન ખૂબ જ સાદું છે. તેના પિતા પુણેના માર્કેટ યાર્ડમાં મજૂરીકામ કરે છે અને માતા ગૃહિણી છે. નવાઈની વાત એ છે કે આ પરિવારના ઘરમાં સ્માર્ટફોન પણ નથી. અદિતિ રોજ 3.25 કિલોમીટર ચાલીને શાળાએ જાય છે અને તેની સ્કૂલમાં કમ્પ્યુટરની સુવિધા પણ નથી. આટલી તકલીફો વચ્ચે પણ તેણે કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કરીને પોતાની બુદ્ધિમત્તાનો પરચો આપ્યો છે.
હજારોમાંથી માત્ર 25 વિદ્યાર્થીઓમાં સ્થાન
અદિતિએ ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સના સહયોગથી યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પરીક્ષાના ત્રણ કઠિન તબક્કા હતા, જેમાં શરૂઆતમાં 75 સ્કૂલના કુલ 13,671 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્કૂલમાં કમ્પ્યુટર ન હોવા છતાં, અદિતિના શિક્ષક અશોક બંદલેએ પોતાના અંગત લેપટોપ પર તેને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન આપ્યું હતું. જનરલ નોલેજના બે રાઉન્ડ પાર કર્યા પછી, અંતિમ રાઉન્ડમાં IUCAA ખાતે પર્સનલ ઇન્ટરવ્યૂ લેવાયો, જેમાં જીવ વિજ્ઞાન, ગણિત અને ભૂગોળ જેવા વિષયો પર ઊંડા પ્રશ્નો પૂછાયા હતા. આ કઠિન સ્પર્ધાને અંતે, હજારો વિદ્યાર્થીઓમાંથી માત્ર 25 વિદ્યાર્થીઓની જ નાસા ટૂર માટે પસંદગી થઈ, જેમાં અદિતિ પણ સામેલ છે.
હવે ટ્રેન નહીં, સીધી વિમાનની મુસાફરી
અદિતિનું ગામ પહાડી અને જંગલ વિસ્તારમાં આવેલું હોવાથી ખૂબ જ પછાત છે. ગામના લોકોએ આજ સુધી વિમાન નથી જોયું અને અદિતિ પોતે પણ ક્યારેય ટ્રેનમાં બેઠી નથી. હવે તે હવાઈ મુસાફરી કરીને સીધી અમેરિકા જશે. આ પ્રવાસનો કુલ ખર્ચ લગભગ 2.2 કરોડ જેટલો થવાનો છે, જે સંપૂર્ણ રીતે જિલ્લા પરિષદ અને જિલ્લા આયોજન વિકાસ સમિતિ દ્વારા ઉઠાવવામાં આવશે. જિલ્લા પરિષદે પાસપોર્ટની પ્રક્રિયા પૂરી કરીને યુ.એસ. કોન્સ્યુલેટમાં ઝડપી વિઝા માટે અરજી પણ કરી દીધી છે.
અદિતિની આ સફળતાથી તેના પરિવાર અને આખા ગામમાં ખુશીનું વાતાવરણ છે. તેના શિક્ષકોના મતે, અભ્યાસની સાથે તે રમતગમત, વક્તૃત્વ અને નૃત્યમાં પણ નિપુણ છે. આ કહાણી એ સાબિત કરે છે કે જો સપના જોવાની હિંમત હોય, તો ગરીબી અને અસુવિધાઓ પણ સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી.











