ગુજરાત સરકારે વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ રજૂ કર્યું છે, જે લેખિત કરાર, ડિજિટલ રજિસ્ટ્રેશન, સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા અને ઝડપી ન્યાયિક વ્યવસ્થા દ્વારા મકાન માલિકો અને ભાડૂઆતોના હિતોનું રક્ષણ કરશે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો તેમજ ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં શિસ્ત તથા સંતુલન લાવવાના ઉદ્દેશ્યથી શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ રજૂ કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ આ ક્રાંતિકારી વિધેયક રજૂ કરતા તેની મહત્વની જોગવાઈઓ અને હેતુઓની વિગતવાર માહિતી આપી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં મિલકત ભાડે આપવાની વ્યવસ્થા જૂના ‘મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, 1947’ હેઠળ સંચાલિત થતી હતી, જેની મુદત વખતોવખત લંબાવવી પડતી હતી. જૂના કાયદાની મર્યાદાઓને કારણે બંને પક્ષોને અનેક કાનૂની ગૂંચવણોનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આધુનિક જરૂરિયાતોને અનુરૂપ નવો અને પારદર્શક કાયદો લાવવામાં આવ્યો છે.
ગુજરાત ભાડા વિધેયક-2026 ની મુખ્ય જોગવાઈઓ
-
લેખિત ભાડા કરાર અનિવાર્ય: હવેથી કોઈપણ મિલકત (રહેણાંક કે વાણિજ્યિક) લેખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં અને આ કરારની માહિતી સંયુક્ત રીતે ‘રેન્ટ ઓથોરિટી’ને આપવાની રહેશે.
-
ડિજિટલ પ્લેટફોર્મ અને યુનિક આઈડી: ડિજિટલ શાસનના ભાગરૂપે ભાડા સત્તાધિકારી દ્વારા ૩ મહિનામાં માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. દરેક કરારને વિશેષ આઈડેન્ટિફિકેશન નંબર (ID) ફાળવી વેબસાઈટ પર અપલોડ કરાશે, જે બંને પક્ષો માટે નિર્ણાયક પુરાવો બનશે.
-
સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા: ભાડૂઆતોના હિતમાં એડવાન્સ સિક્યોરિટી ડિપોઝિટની રકમ વધુમાં વધુ ૩ મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે. મિલકત ખાલી કરતી વખતે તમામ હિસાબ ચુકતે કરીને ૧ મહિનામાં આ ડિપોઝિટ પરત કરવાની રહેશે.
-
ત્રિ-સ્તરીય ન્યાયિક વ્યવસ્થા: કોઈપણ વિવાદના સમયબદ્ધ અને ઝડપી નિવારણ માટે રાજ્યમાં ‘રેન્ટ ઓથોરિટી’, ‘રેન્ટ કોર્ટ’ અને ‘રેન્ટ ટ્રિબ્યુનલ’ એમ ત્રણ સ્તરની ન્યાયિક વ્યવસ્થા અસ્તિત્વમાં આવશે.
-
જીવનજરૂરી સેવાઓ રોકી શકાશે નહીં: કોઈપણ મકાન માલિક ભાડૂઆતની વીજળી, પાણી કે ગેસ કનેક્શન જેવી આવશ્યક સેવાઓ રોકી શકશે નહીં. આવું કરવા પર રેન્ટ ઓથોરિટી તુરંત સેવાઓ પુનઃજીવિત કરવાનો આદેશ કરશે.
-
મિલકત ખાલી કરાવવાના સ્પષ્ટ આધારો (કલમ ૨૧): જો ભાડૂઆત સતત ભાડું ન ચૂકવે, મિલકતને નુકસાન પહોંચાડે કે માલિકની મંજૂરી વગર પેટા-ભાડે આપે, તો માલિક ભાડા અદાલત મારફતે મિલકત ખાલી કરાવી શકશે.
-
કુદરતી આપત્તિમાં રાહત: પૂર, ભૂકંપ કે ચક્રવાત જેવી કુદરતી આપત્તિના સમયે જો મિલકત રહેવા યોગ્ય ન રહે, તો ભાડૂઆતને ભાડામાંથી મુક્તિ મળશે અથવા કરાર લંબાવવાની વાજબી તક મળશે.
-
પ્રોપર્ટી મેનેજરને કાનૂની માન્યતા (કલમ ૧૮): કલમ ૧૮ મુજબ મકાન માલિક પોતાની સુવિધા માટે પ્રોપર્ટી મેનેજરની નિમણૂક કરી શકશે અને તેની ફરજો નિર્ધારિત કરવામાં આવી છે.
-
ચોક્કસ સંસ્થાઓને મુક્તિ (કલમ ૩): સરકારી પરિસરો, કંપનીઓ દ્વારા કર્મચારીઓને અપાતા સર્વિસ ક્વાર્ટર, ધાર્મિક-સખાવતી સંસ્થાઓ, વક્ફ બોર્ડ અને પબ્લિક ટ્રસ્ટની માલિકીની મિલકતોને આ કાયદામાંથી મુક્તિ અપાઈ છે (જોકે બંને પક્ષોની પરસ્પર સંમતિ હોય તો તેઓ આ કાયદા હેઠળ જોડાઈ શકે છે).
મંત્રી કનુભાઈ દેસાઈએ અંતમાં ઉમેર્યું હતું કે આ કાયદો મકાન માલિકને યોગ્ય ન્યાય અને ભાડૂઆતને આદરપૂર્વક જીવવાની છત પૂરી પાડશે, જેનાથી રિયલ એસ્ટેટ માર્કેટમાં પારદર્શિતા આવશે અને ‘ઈઝ ઓફ લિવિંગ’ વધશે.











