ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 100થી વધુ તાલુકામાં વરસાદ, 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે ૧૦૦થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ ૨.૮ ઇંચ વરસાદ નોંધાયો છે અને ૯ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં આગામી ૧૫ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ગત ગુરુવારથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો હતો, પરંતુ આજરોજ વરસાદના જોર અને તીવ્રતામાં મોટો વધારો જોવા મળ્યો છે. સવા મહિના બાદ આજે એક જ દિવસમાં રાજ્યના ૧૦૦થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

વરસાદના મુખ્ય આંકડા અને વિગતો

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી આંકડા અનુસાર, આજે સવારે ૬ થી રાતના ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૧૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે:

  • સૌથી વધુ વરસાદ: સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ ૭૩ મિ.મી. (અંદાજે ૨.૮ ઇંચ) વરસાદ ખાબક્યો છે. ખાસ વાત એ છે કે આમાંથી ૬૬ મિ.મી. વરસાદ માત્ર છેલ્લા ૨ કલાકમાં જ તૂટી પડ્યો હતો.

  • અન્ય નોંધપાત્ર વરસાદ: નર્મદાના તિલકવાડામાં ૭૩ મિ.મી. (૨.૦૯ ઇંચ), પંચમહાલના મોરવાહડફમાં ૫૨ મિ.મી. (૨.૦૫ ઇંચ), ડાંગ અને સુબીરમાં ૪૯ મિ.મી., ખેડાના નડિયાદમાં ૪૭ મિ.મી., નર્મદાના સાગબારામાં ૪૬ મિ.મી., આણંદમાં ૪૩ મિ.મી., છોટા ઉદેપુરના સંખેડામાં ૪૨ મિ.મી. અને દાહોદના લીમખેડામાં ૩૯ મિ.મી. વરસાદ નોંધાયો છે.

  • સમગ્ર દિવસ દરમિયાન રાજ્યના ૨૨ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ અને ૩ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગનું રેડ એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ નાઉકાસ્ટ મુજબ, આગામી ૩ કલાક દરમિયાન ૪૧ થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, ભાવનગર, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!